એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 17,000 કરોડ રૂપિયાની બેન્ક છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણીને 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. અનિલ અંબાણી રિલાયન્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના ભાઈ છે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, બેન્ક છેતરપિંડીના કેસમાં તપાસ માટે અનિલ અંબાણીને ઈડી અને ઈકોનોમિક ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે.
ગયા અઠવાડિયે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મુંબઈમાં રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલા લગભગ 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અગાઉ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ED અને બે અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓને 10,000 કરોડના કથિત ભંડોળના ડાયવર્ઝન અંગેનો તપાસ અહેવાલ સુપરત કર્યો હતો.એવો આરોપ છે કે લોનની રકમ કથિત રીતે અન્ય કંપનીઓમાં ડાયવર્ઝન કરવામાં આવી હતી અને નિર્ધારિત હેતુ સિવાય અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મની લોન્ડરિંગના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા બે એફઆઈઆર નોંધાયા બાદ ED એ આ દરોડા પાડ્યા હતા. તપાસમાં ઘણી ગેરરીતિઓ મળી આવી હતી. જેમાં નબળા અથવા અપ્રમાણિત નાણાકીય સ્ત્રોતો ધરાવતી કંપનીઓને લોન આપવી, લોન લેતી સંસ્થાઓમાં સમાન ડિરેક્ટર અને સરનામાંનો ઉપયોગ, લોન ફાઇલોમાં જરૂરી દસ્તાવેજોનો અભાવ, શેલ કંપનીઓના નામે લોન મંજૂર કરવી, હાલની લોન ચૂકવવા માટે નવી લોન આપવામાં આવી હતી. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની બે કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે 26 જુલાઈના રોજ સ્ટોક એક્સચેન્જને જાણ કરતા કહ્યું હતું કે તેઓ કાર્યવાહી સ્વીકારે છે, પરંતુ દરોડાની તેમના વ્યવસાયિક કામગીરી, નાણાકીય કામગીરી, શેરધારકો, સ્ટાફ અથવા અન્ય કોઈપણ હિસ્સેદારો પર કોઈ અસર થતી નથી.