અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઇન્ડિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે
રવિવારે રાત્રે તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકનીકલ ખામી અને ખરાબ
હવામાનના લીધે ચેન્નાઈમાં ઈમરજ્ન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ બે કલાકથી વધુ
સમય સુધી હવામાં રહી હતી. આ અંગે એરલાઈન કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 10
ઓગસ્ટના રોજ તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી એર ફ્લાઇટ AI2455 ના પાયલોટે શંકાસ્પદ
ટેકનિકલ ખામી અને રસ્તામાં ખરાબ હવામાનના કારણે સલામતીના ભાગરૂપે વિમાનને ચેન્નાઈ તરફ
વાળ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ આ ફ્લાઈટ રવિવારે રાત્રે આઠ વાગે બાદ તિરુવનંતપુરમથી ઉપડી હતી.
જયારે રાત્રે 10.35 વાગ્યે ચેન્નાઈમાં ઈમરજ્ન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં પાંચ સાંસદ
દિલ્હી જઈ રહ્યા હતા. કેસી વેણુગોપાલ, કોડિકુન્નિલ સુરેશ, અદૂર પ્રકાશ, કે. રાધાકૃષ્ણન અને રોબર્ટ બ્રુસ
દિલ્હી જઈ રહ્યા હતા. આ ફલાઈટના ઈમરજ્ન્સી લેન્ડિંગ બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ
ઘટનાને બાલ બાલ જીવ બચ્યો હોય તેવી ગણાવી હતી.
કેસી વેણુગોપાલે આ અંગે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી એર
ઇન્ડિયાની ફ્લાઇટ AI2455 જેમાં અનેક સાંસદ અને યાત્રીઓ સવાર હતા. આજે દુર્ઘટનાની ખુબ નજીક
પહોંચી ગઈ હતી. જેમાં ઉડાનના સમયમાં વિલંબ થયો હતો. તેમજ ઉડાન ભરતાની સાથે જ તેજ
આંચકા આવવા લાગ્યા હતા. તેમજ ઉડાનના એક કલાક બાદ કેપ્ટને જણાવ્યું કે ફ્લાઈટના સિગ્નલની
ખામી સર્જાઈ છે. જેના લીધે ફ્લાઈટને ચેન્નાઈ લેન્ડ કરવામાં આવી રહી છે.જેમાં અંદાજે બે કલાક સુધી
અમે ચેન્નાઈ એરપોર્ટ પર ચક્કર લગાવતા રહ્યા. પહેલી વાર લેન્ડિંગ સમયે એક ડર ઉભો થયો જયારે
ખબર પડી કે બીજું વિમાન ઉભું છે. કેપ્ટને તરત વિમાન ઉપર ઉઠાવ્યું જેના લીધે જીવ બચી ગયો. બીજી
વારમાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. અમે પાયલોટની સમયસુચકતા અને નસીબના લીધે બચી ગયા.
મુસાફરોની સુરક્ષા નસીબ પર ના છોડી શકાય. હું ડીજીસીએ અને સિવિલ એવિએશન મંત્રાલયને આગ્રહ
કરું છું આ ઘટનાની તરત તપાસ કરવામાં આવે. જેમાં જવાબદારી નક્કી કરવામાં આવે આવી ભૂલ
ફરીવાર ના થાય.