ભારત 15 ઓગસ્ટે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. તેઓ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. અને સમગ્ર રાષ્ટ્રને સંબોધિત કરશે. આ વર્ષના સ્વતંત્રતા દિવસની ઉજવણીની થીમ “નવું ભારત” રાખવામાં આવી છે. લાલ કિલ્લા પર પીએમ મોદીના આગમન સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ અને રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે. દિલ્હી ક્ષેત્રના જીસીઓ નરેન્દ્ર મોદીને સલામી મંચ સુધી લઇ જશે.
વડાપ્રધાનના ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં 96 જવાનો હશે. ભારતીય વાયુસેના આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીનું સંકલન કરી રહી છે. ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ વિંગ કમાન્ડર એ.એસ. સેખોન કરશે. પ્રધાનમંત્રીના ગાર્ડમાં સેનાની ટુકડીનું નેતૃત્વ મેજર અર્જુન સિંહ કરશે, નૌકાદળની ટુકડીનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર કોમલદીપ સિંહ કરશે. ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી પ્રધાનમંત્રી લાલ કિલ્લાના પ્રાંગણ તરફ આગળ વધશે. દિલ્હી વિસ્તારના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) પ્રધાનમંત્રીને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સહાયતા કરશે. આ સલામીનું આયોજન 1721 ફિલ્ડ બેટરી (સેરેમોનિયલ) ના બહાદુર તોપચીઓ દ્વારા 21 તોપોની સલામી સાથે કરાશે.રાષ્ટ્રીય ધ્વજ રક્ષક દળ, જેમાં થલસેના, નૌકાદળ, વાયુસેના અને દિલ્હી પોલીસના એક એક અધિકારી અને 32 અન્ય રેન્કના કર્મી સામેલ થશે. કુલ 128 કર્મી પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાશે ત્યારે રાષ્ટ્રીય સલામી આપશે.ધ્વજવંદન પછી ત્રિરંગાને ‘રાષ્ટ્રીય સલામી’ આપવામાં આવશે. એક જેસીઓ અને 25 અન્ય રેન્કનો સમાવેશ થતો વાયુસેનાનો બેન્ડ રાષ્ટ્રધ્વજ ફરકાવતા અને ‘રાષ્ટ્રીય સલામી’ આપતી વખતે રાષ્ટ્રગીત વગાડશે. બેન્ડનું સંચાલન જુનિયર વોરંટ ઓફિસર એમ ડેકા કરશે.