ચાઈનીઝ વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી અને
ભારતની ત્રણ મોટી ચિંતાઓ દૂર કરવાનું વચન આપ્યું. સૂત્રો અનુસાર, ચીને ભારતને ખાતર
(ફર્ટિલાઇઝર), ખનિજ અને ટનલ ખોદવાની મશીનોની જરૂરિયાત પૂરી કરવાનું આશ્વાસન આપ્યું છે. આ
વચન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લગાવ્યો છે.
ભારત ઘણા સમયથી ચીન સાથે ખનિજ સપ્લાય માટે વાતચીત કરી રહ્યું છે. આ ખનિજ ઇલેક્ટ્રિક
વાહનો, પવનચક્કી અને સંરક્ષણ ઉત્પાદન જેવા ઉદ્યોગો માટે ખૂબ જ મહત્ત્વના છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યીને કહ્યું કે ભારત અને ચીને સંબંધો સુધારવા
માટે એક સ્પષ્ટ અને સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ, જે પરસ્પર સન્માન, સંવેદનશીલતા અને
પરસ્પર હિતો પર આધારિત હોય. તેમણે પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ કંટ્રોલ (LAC) પર તણાવ ઓછો
કરવા પર પણ ભાર મૂક્યો. આ વિસ્તારમાં બંને દેશોની સેનાઓ છેલ્લા ચાર વર્ષથી સામ-સામે છે.
વાંગ યીની આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની SCO શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનની
પ્રસ્તાવિત મુલાકાત પહેલાં થઈ રહી છે. 2020માં ગલવાન ખાડીમાં થયેલા સંઘર્ષ પછી ભારત-ચીનના
સંબંધોમાં ઘણો તણાવ આવ્યો હતો. આ મુલાકાતને બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે
જોવામાં આવી રહી છે.