15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. લોન્ચ થયાના ચાર દિવસમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ પાંચ લાખથી વધુ વાર્ષિક પાસ વેચી દીધા છે. FASTag Annual Passને પહેલા દિવસથી જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, 15 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં લગભગ 1.4 લાખ લોકોએ વાર્ષિક પાસ બુક કરાવ્યો હતો અથવા એક્ટિવ કર્યો હતો.
નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) કહે છે કે FASTag એ ભારતમાં કોઈપણ મુશ્કેલી વિના ટેકનોલોજી આધારિત ગતિશીલતા વધારવા માટે વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. લોન્ચ થયાના 4 દિવસમાં 5 લાખથી વધુ યુઝર્સ FASTag વાર્ષિક પાસમાં જોડાયા છે. આ પહેલ મુસાફરોને ઝડપી, અનુકૂળ અને વધુ સારો ટોલિંગ અનુભવ પ્રદાન કરી રહી છે. વધુને વધુ યુઝર્સ આ પાસનો ઉપયોગ કરીને તેમની મુસાફરીને સરળ અને સારી બનાવી રહ્યા છે.
NHAI એ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ‘X’ પર શેર કરેલી તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે, 15 લાખથી વધુ ડાઉનલોડ્સ સાથે NHAI ની Rajmargyatra એપ ટોપ રેન્કિંગ ધરાવતી સરકારી એપ બની ગઈ છે. Rajmargyatra મોબાઇલ એપ ગુગલ પ્લે સ્ટોર પર એકંદર રેન્કિંગમાં 23મા સ્થાને અને ટ્રાવેલ કેટેગરીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. 4.5 સ્ટાર રેટિંગ ધરાવતી આ એપે FASTag વાર્ષિક પાસ લોન્ચ થયાના 4 દિવસમાં જ આ સિદ્ધિ હાંસલ કરી છે.
FASTag વાર્ષિક પાસ શું છે?
15 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે દેશના પસંદગીના રાષ્ટ્રીય એક્સપ્રેસવે (NE) અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH) પર મુસાફરીને સરળ બનાવવા માટે FASTag વાર્ષિક પાસ લોન્ચ કર્યો છે. યુઝર્સ આ પાસ ફક્ત 3,000 રૂપિયામાં ખરીદી શકે છે અને તેના દ્વારા તેઓ આખા 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ (જે પહેલા આવે) સુધી ટોલ ચૂકવ્યા વિના મુસાફરી કરી શકે છે. જો કે, આ ફક્ત તે એક્સપ્રેસવે અને હાઇવે પર જ લાગુ થશે જે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા સંચાલિત છે.






