ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે હજુ પણ કોઈ અંતિમ સહમતી સધાઈ નથી. સૂત્રો અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે I.N.D.I.A. ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુનો ન હોવો જોઈએ, અને સાથે જ મમતા બેનર્જીની પાર્ટીએ ઉમેદવારને લઈને પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
TMC ઈચ્છે છે કે વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, જે ભાજપ અને RSSની વિચારધારા સામેની લડાઈને મજબૂત કરી શકે. TMCનું કહેવું છે કે આ ચૂંટણી ફક્ત પદ માટેની લડાઈ નથી, પરંતુ બંધારણ અને ‘આઈડિયા ઑફ ઈન્ડિયા’ને બચાવવાની લડાઈ છે. TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરેથી નીકળતી વખતે જણાવ્યું હતું કે, ‘મંગળવારે બપોરે 12;30 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના ઘરે I.N.D.I.A. ગઠબંધનની બેઠક થશે.’ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિપક્ષ સાંજ સુધીમાં એક મજબૂત ઉમેદવારના નામની જાહેરાત કરી દેશે.
NDAએ સી.પી.રાધાકૃષ્ણનને બનાવ્યા છે પોતાના ઉમેદવાર
NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી લાંબી અને પ્રભાવશાળી રહી છે. તેઓ 31 જુલાઈ, 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. આ પહેલા ફેબ્રુઆરી 2023થી જુલાઈ 2024 સુધી તેમણે ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન તેમને રાષ્ટ્રપતિ દ્વારા તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો.