અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે ટેરિફ મામલે મોટો ઝટકો આપ્યો છે. એક અપીલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા, જેનાથી અમેરિકન રાજકારણ અને અર્થતંત્રમાં ખળભળાટ મચી ગયો. યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટ કહે છે કે રાષ્ટ્રપતિ પાસે ઈમરજન્સીની સત્તા છે, પરંતુ તેમને ટેરિફ અથવા કર લાદવાનો અધિકાર નથી.
આ નિર્ણયને ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, કોર્ટે ટેરિફને 14 ઓક્ટોબર સુધી યથાવત રાખવાની મંજૂરી આપી, જેનાથી ટ્રમ્પ વહીવટીતંત્રને આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની તક મળી ગઇ હતી. બીજી તરફ ટ્રમ્પે કોર્ટના આદેશને સ્પષ્ટપણે નકારી કાઢ્યો અને કહ્યું કે તમામ ટેરિફ અમલમાં રહેશે. તેમણે કોર્ટના નિર્ણયને ખોટો અને પક્ષપાતી ગણાવ્યો અને કહ્યું કે જો આ નિર્ણય બદલવામાં નહીં આવે તો અમેરિકાનો વિનાશ થઈ જશે. અમે સુપ્રીમ કોર્ટની મદદથી આપણા રાષ્ટ્રના હિતમાં ટેરિફનો ઉપયોગ કરીશું. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “બધા ટેરિફ હજુ પણ લાગુ છે. આજે એક અત્યંત પક્ષપાતી અપીલ કોર્ટે ખોટું કહ્યું કે આપણા ટેરિફ દૂર કરવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે અમેરિકા જીતશે. જો આ ટેરિફ દૂર કરવામાં આવશે તો તે દેશ માટે એક મોટી આફત સાબિત થશે.
ટ્રમ્પની નીતિ અમેરિકાના હિતોની વિરુદ્ધ: પૂર્વ NSA સુલિવાન
અમેરિકા અને ભારતના બગડતા સંબંધો વચ્ચે અમેરિકામાં જ વ્હાઇટ હાઉસના વડા પર હુમલા શરૂ થઈ ગયા છે. વોશિંગ્ટનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ભારત વિરુદ્ધ આક્રમક ટેરિફ નીતિ અપનાવવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરી છે. તેમના મતે, અમેરિકન પ્રમુખ તેમની આ નીતિઓને કારણે જાણીજોઈને ભારતને ચીન તરફ ધકેલી રહ્યા છે, જે અમેરિકાના હિતોની વિરુદ્ધ છે.
બાઈડનના સુરક્ષા સલાહકાર સુલિવાને વિશ્વના દેશોમાં અમેરિકા પ્રત્યે વધી રહેલા અવિશ્વાસના મુદ્દે કહ્યું કે, ‘આજે વિશ્વના દેશો અમેરિકાને એક અવિશ્વસનીય અને અસ્થિર દેશ તરીકે જુએ છે. જ્યારે તેઓ વિદેશી નેતાઓને મળે છે, ત્યારે તેઓ અમેરિકાથી જોખમ ઘટાડવાની વાત કરે છે. આજે પરિસ્થિતિ એવી છે કે ચીન વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય અને સ્થિર નીતિઓ ધરાવતો દેશ બની ગયો છે, જ્યારે અમેરિકાની પ્રતિષ્ઠા ઘટી રહી છે, આપણી અમેરિકન બ્રાન્ડ શૌચાલયમાં જોવા મળે છે.’