અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી પછી હવે શિકાગોને નેશનલ ગાર્ડને હવાલે કરવાની પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. શિકાગો ડેમોક્રેટ શાસિત રાજ્યનું શહેર હોવાથી ટ્રમ્પની ચેતવણીનો વિવાદ વકર્યો છે. આવા સમયે વ્હાઈટ હાઉસનાં પ્રવક્તા કેરોલિન લેવિટ્ટે શિકાગોમાં ગુનાના દરની સરખામણી ભારત અને પાકિસ્તાનની રાજધાનીઓ સાથે કરતા કહ્યું કે, શિકાગોમાં હત્યાનો દર પ્રતિ 1 લાખની વસતીએ 25.5 છે, જે ઈસ્લામાબાદ કરતાં બમણો અને નવી દિલ્હી કરતાં ૨૫ ગણો વધુ છે. બીજીબાજુ શિકાગો પોલીસ વિભાગનું કહેવું છે કે શહેરમાં એકંદર ગુનાના દરમાં 2024 કરતાં 11ટકા ઘટાડો નોંધાયો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય રાજધાની વોશિંગ્ટન ડીસીને નેશનલ ગાર્ડને હવાલે કરવાના નિર્ણયને ન્યાયિક ઠેરવવા માટે 2024 માં દુનિયાની 11 રાજધાનીઓના હત્યાના આંકડાની સરખામણી કરતો ચાર્ટ રજૂ કર્યો હતો. આ ચાર્ટમાં દિલ્હી 9મા ક્રમે હતું જ્યારે લંડન અને મેડ્રીડ તેની આગળ હતા. વોશિંગ્ટન ડીસી 27.64 હત્યા સાથે ચાર્ટમાં ટોચ પર હતું.ટ્રમ્પ સરકારનાં પ્રવક્તા કેરોલિન લેવિટ્ટ મુજબ 2024માં હત્યાનો દર ઈસ્લામાબાદમાં પ્રતિ 1 લાખ વ્યક્તિએ 9.2હતો જ્યારે દિલ્હીમાં તે માત્ર 1.48 હતો. વોશિંગ્ટન ડીસી પછી હવે ટ્રમ્પ સરકારે શિકાગોમાં નેશનલ ગાર્ડને તૈનાત કરવાની તૈયારી શરૂ કરી છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે કહ્યું હતું કે, શિકાગોમાં સ્થિતિ અત્યંત ખરાબ છે અને શહેરીજનો મદદ માટે બૂમો પાડી રહ્યા છે. તેથી હું માનું છું કે હવે શિકાગોમાં નેશનલ ગાર્ડને તૈનાત કરવું જોઈએ અને ત્યાર પછી અમે ન્યૂયોર્કને મદદ કરીશું. અમેરિકન નેશનલ ગાર્ડને ટેરિટોરિયલ આર્મી સાથે સરખાવી શકાય. નેશનલ ગાર્ડ રાજ્યોના બદલે ફેડરલ સરકારને આધિન હોય છે. વ્હાઈટ હાઉસનાં પ્રવક્તા કેરોલિન લેવિટ્ટે કહ્યું કે, ડેમોક્રેટ શાસિત શહેરોમાં તેમની નીતિઓ ગુનાને પ્રોત્સાહન આપતી હોવાથી ગુનામાં વધારો થયો છે. બીજીબાજુ ટ્રમ્પ સરકારની ગુના વિરોધી નીતિઓના કારણે વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ તૈનાત કર્યા પછી ત્યાં ગુનાની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો થયો છે.