અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યું કે મેં લગાવેલા ટેરિફ દેશની આર્થિક અને સૈન્ય તાકાત માટે
જરૂરી છે. જો આ ટેરિફ દૂર કરવામાં આવશે તો અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. ટ્રમ્પનું આ
નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા જ યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધી ફેડરલ
સર્કિટે ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ નિર્ણય સામે
સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર વ્યથા ઠાલવી ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર
લખ્યું હતું કે, “જો ટેરિફ ન હોત અને અમે અત્યાર સુધી ટ્રિલિયન ડોલર એકત્રિત ન કર્યા હોત તો
આપણો દેશ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો હોત અને આપણી સૈન્યશક્તિ ભાંગી પડી હોત.”
ટ્રમ્પે કોર્ટના 7-4ના નિર્ણયની ટીકા કરતા તેને કટ્ટરપંથી ડાબેરી જૂથનો નિર્ણય ગણાવ્યો. જોકે, ટ્રમ્પે બરાક
ઓબામા દ્વારા નિયુક્ત કરાયેલા એક અસંમત ન્યાયાધીશની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે હિંમત બતાવી
અને તેઓ ખરેખર અમેરિકાને પ્રેમ કરે છે. શુક્રવારે યુએસ ફેડરલ સર્કિટ એપેલેટ કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં
આવેલા ઘણા ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે પ્રમુખેને આવા વ્યાપક અને
અનિશ્ચિત ટેરિફ લાદવાનો અધિકાર નથી. જોકે, કોર્ટે ટેરિફને 14 ઓક્ટોબર સુધી અમલમાં રહેવાની મંજૂરી
આપી હતી, જેથી ટ્રમ્પ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે.