વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. એવામાં ચીનના
શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ પર સૌની નજરો ટકેલી છે. કારણ કે, અહીં ચીનના પ્રમુખ શી જિનપિંગ
અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદી એકસાથે જોવા મળ્યા છે. SCO
સમિટના ઉદ્ઘાટન સમયે ત્રણેય દિગ્ગજ નેતાની મુલાકાતની તસવીરો સામે આવતા ટેરિફ વૉર વચ્ચે આ
તસવીર જોઈને અમેરિકાને મરચાં લાગે તેમ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં
ભારત ઉપર 50 ટકાથી વધુ ટેરિફ લાદી દીધ્યો છે. જોકે, મોદી સરકાર તેનો જવાબ આપવા માટે રશિયા
અને ચીન તરફ મિત્રતાપૂર્ણ સંબંધોને મજબૂત કરવા માટે આગળ વધી રહી છે. ત્યારે એસસીઓ
સમિટમાં ચીનના પ્રમુખ જિનપિંગ, ભારતના વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે
ઉષ્માભેર મુલાકાત થઈ હતી.
એસસીઓ શિખર સંમેલમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે જાહેરાત કરી હતી કે, આ વર્ષે શાંઘાઈ
કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોને 281 મિલિયન અમેરિકન ડૉલરની ગ્રાન્ટ આપવામાં
આવશે. એવું માનવામાં આવે છે કે, આ મદદ સભ્ય દેશોની આર્થિક અને વિકાસ સંબંધિત જરૂરિયાતોને
પૂર્ણ કરવા માટે હશે.ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર દરમિયાન ચીન અને ભારતની
મુલાકાતથી અમેરિકાને આંચકો લાગ્યો છે. ચીનમાં આયોજિત એસસીઓ સમીટમાં બે દેશની અનેક મુદ્દે
સહમતીથી અમેરિકાને સંદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના
સલાહકાર પીટર નાવારો લાલઘૂમ થયા છે. તેમણે ફરી એક વાર ભારત પર યુક્રેન યુદ્ધને ફાયનાન્સ
કરવાનો આક્ષેપ કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નાવારો ભારત વિરુદ્ધ
નિવેદન આપતા કહ્યું કે, ભારત દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાથી રશિયાના યુદ્ધ મશીનને
વધારો મળી રહ્યો છે.
આતંકવાદ, સરહદી શાંતિ અને વેપાર મુદ્દે ભારત-ચીન વચ્ચે થઈ સમજૂતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન
(SCO) સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. આ બેઠકમાં બંને
નેતાઓએ આતંકવાદ, સરહદી તણાવ અને વેપાર સહિત અનેક વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા
કરી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ મુલાકાત વિશે માહિતી આપતા જણાવ્યું કે સરહદ પર
શાંતિ અને સુમેળ સંબંધોના એકંદર વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે પીએમ મોદીએ સરહદ પાર આતંકવાદનો મુદ્દો સ્પષ્ટપણે
ઉઠાવ્યો, જેના પર ચીને સમર્થન આપવાનું વચન આપ્યું. બંને નેતાઓએ સહમતિ વ્યક્ત કરી કે
મતભેદોને વિવાદમાં ફેરવવા ન જોઈએ અને સરહદો પર શાંતિ જાળવવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત,
બંનેએ બદલાતા વૈશ્વિક પડકારો અને આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ પર પણ પોતાના વિચારોનું
આદાનપ્રદાન કર્યું.
ઓપરેશન સિંદૂર બાદ તૂર્કીયે પ્રમુખ એર્દોગાન સાથે મોદીની મુલાકાત
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને
તુર્કીયેના પ્રમુખ રેચેપ તૈય્યપ એર્દોગનની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં
વડાપ્રધાન મોદી અને એર્દોગન વચ્ચે ઉષ્માભેર વાતાવરણ જોવા મળ્યું. જેમાં બંને નેતાઓ હાથ
મિલાવતા અને વડાપ્રધાન મોદી તેમની પીઠ થાબડતા જોવા મળે છે. આ દ્રશ્ય ચર્ચાનો વિષય બન્યું છે.
કારણ કે, ઓપરેશન સિંદૂર વખતે ભારત અને તુર્કીયેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા.
હકીકતમાં, 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત નિપજ્યા હતા. ભારતે
આ હુમલા બાદ પાકિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આંતંકી ઠેકાણા પર સટીક હુમલા
કર્યા હતા, જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ તુર્કીયેએ ખુલીને
પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને ભારતની ટીકા કરી હતી. આ દરમિયાન તુર્કીયેના પ્રમુખે એર્દોગને
પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરીને ભારતીય હુમલાની ટીકા કરી હતી અને
પાકિસ્તાન પ્રત્યેય સંવેદના વ્યક્ત કરી હતી.