શક્તિપીઠ અંબાજી ખાતે આજથી (પહેલી સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે તેવી સંભાવના છે. હાલ મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ બાદ દર્શન થઈ શકશે નહીં.
ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ 7 તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર 8 રહેશે. દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સિનીયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન, ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઊભી કરાઈ છે.
આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટર પ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, ‘જય માતાજી’નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત્ રચનાઓ થશે.