અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ટેરિફને લઈને કેસ હારી જવાની ચિંતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સતાવી રહી છે, જેઓ ભારત સહિત અનેક દેશો સામે ટેરિફ વોર શરૂ કરી ચૂક્યા છે. જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમની વિરુદ્ધ આવે, તો અમેરિકાના અન્ય દેશો સાથેના વેપાર કરારો રદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમેરિકન અપીલ કોર્ટે ટ્રમ્પના ટેરિફના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો હતો.
બુધવારે, ટ્રમ્પે એક ચેતવણી આપતા જણાવ્યું કે જો સુપ્રીમ કોર્ટ ટેરિફને ગેરકાયદેસર ઠેરવે તો યુરોપિયન યુનિયન, જાપાન, અને દક્ષિણ કોરિયા જેવા અન્ય દેશો સાથેના વેપાર કરારો રદ કરવાની ફરજ પડશે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, ‘જો સરકાર આ કેસ હારી જાય તો અમેરિકા પર મોટી અસર થશે. આથી, હું સુપ્રીમ કોર્ટને ગયા અઠવાડિયે આપવામાં આવેલા અગાઉના કોર્ટના નિર્ણયને રદ કરવા માટે વિનંતી કરશે.’
ટ્રમ્પનો દાવો છે કે તેમનો વહીવટ સુપ્રીમ કોર્ટમાં જીત મેળવશે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘આ ટેરિફના કારણે મને મોટા વેપારી ભાગીદારો સાથે સોદો કરવાનો અવસર મળ્યો છે. આ નીતિએ ફરી એકવાર અમેરિકાને અત્યંત સમૃદ્ધ બનવાનો માર્ગ ખોલી આપ્યો છે.’ ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ભારત અને બ્રાઝિલ પર 50%નો સૌથી વધુ ટેરિફ લગાવ્યો છે.
ટ્રમ્પે કહ્યું કે, ‘અમે યુરોપિયન યુનિયન સાથે સોદો કર્યો, જ્યાં તેઓ અમને લગભગ ટ્રિલિયન ડોલર આપી રહ્યા છે અને તેઓ ખુશ છે અને કામ થઈ ગયું. આ તમામ સોદાઓ થઈ ગયા છે. મને લાગે છે કે હવે આપણે તેને પાછું લેવું પડશે.’બુધવારે, ટ્રમ્પે જણાવ્યું કે રશિયન તેલ ખરીદવા માટે ભારત પર પ્રારંભિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને તેમણે એ પણ સંકેત આપ્યો કે હજુ ‘બીજા કે ત્રીજા તબક્કા’ના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા નથી.