ભાવનગરના પીપરડી ગામની મહિલાઓ ગણેશ વિસર્જન માટે જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે 8થી વધુ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. પાલીતાણાથી હસ્તગિરી જતા રોડ પર પીપરડી ગામ નજીક આ કરુણ અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ મહિલાઓની ચીસાચીસથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી તેમજ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.