કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર બે દિવસમાં 13.83 કરોડ રૂપિયાની કિંમતનો હાઇડ્રો
ગાંજો જપ્ત જપ્ત કર્યો હતો.અધિકારીએ જણાવ્યું હતું કે બે અલગ અલગ કેસમાં ગાંજો જપ્ત કરવામાં
આવ્યો હતો અને આ પ્રકરણે બે પ્રવાસીની ધરપકડ કરાઇ હતી. બેંગકોકથી આવેલા બંને પ્રવાસી
પોતાની ટ્રોલી બેગમાં ગાંજો છુપાવીને મુંબઈ લાવ્યા હતા.
બેંગકોક ખાતેથી રવિવારે ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર
આવેલા પ્રવાસીને કસ્ટમ્સના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો હતો. પ્રવાસીની તલાશી લેવાતાં
તેની પાસેથી કશું મળ્યું નહોતું. જોકે તેની ટ્રોલી બેગની તપાસ કરવામાં આવતાં તેમાંથી બે કરોડ
રૂપિયાનો 2.002 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.દરમિયાન સોમવારે બેંગકોકથી આવલા અન્ય એક
પ્રવાસીની ટ્રોલી બેગમાંથી પણ 11.83 કરોડ રૂપિયાની કિંમતનો 11.834 કિલોગ્ર્રામ ગાંજો જપ્ત કરવામાં
આવ્યો હતો.બંને પ્રવાસીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ હેઠળ ગુનો
દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવાસીઓએ બેંગકોકમાં ગાંજો ક્યાંથી મેળવ્યો હતો
અને તે કોને આપવા માટે મુંબઇ લાવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ
જણાવ્યું હતું.