નેપાળમાં પાછલા ચાર દિવસથી વિદ્રોહના સૂર ગુંજી રહ્યા છે. આ વિદ્રોહ વચ્ચે જનરેશન ઝેડના આંદોલનકારીઓએ નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશન રહી ચૂકેલા સુશીલા કાર્કીને વચ્ચગાળાના સરકારના નેતૃત્વ માટે પસંદ કર્યા છે. આ નિર્ણય નેપાળના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અને રાજકીય કટોકટીના પગલે લેવામાં આવ્યો છે. કાર્કીની પસંદગીથી નેપાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે, અને આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં છે.
બુધવારે યુવા આંદોલનકારીઓની વર્ચ્યુઅલ બેઠકમાં 73 વર્ષીય સુશીલા કાર્કીનું નામ વચગાળાના વડાપ્રધાન તરીકે નક્કી કરવામાં આવ્યું. આ બેઠકમાં કાઠમંડુના મેયર બલેન્દ્ર શાહ અને નેપાળ વીજ બોર્ડના ભૂતપૂર્વ અધિકારી કુલમાન ઘિસિંગના નામો પર પણ વિચારણા કરવામાં આવી હતી. નેપાળના સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ કાર્કીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. આ નિર્ણય રાજધાનીમાં વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ લેવાયો.સુશીલા કાર્કીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી રાજનીતિ શાસ્ત્રમાં એમ.એ. અને ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. 2009માં તેઓ સુપ્રીમ કોર્ટના અસ્થાયી ન્યાયાધીશ બન્યા અને 2010માં કાયમી ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
મીડિયા રીપોર્ટ પ્રમાણે સુશીલા કાર્કીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સકારાત્મક વિચારો ધરાવે છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું ભારત અને નેપાળના લોકો વચ્ચે ગાઢ સંબંધો છે અને બંને દેશોના લોકો એકબીજાને ભાઈ-બહેનની જેમ માને છે.કાર્કીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાનની યાદો શેર કરી, જેમાં તેમણે ગંગા નદી અને તેમના શિક્ષકો-મિત્રોનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે હંમેશા નેપાળને મદદ કરી છે અને બંને દેશોના સંબંધો ખૂબ જ મજબૂત છે. કાર્કીએ નેપાળમાં ભારતીયોની સુરક્ષા અંગે ખાતરી આપી અને જણાવ્યું કે નેપાળની સેનાએ કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં લીધી છે. તેમણે કહ્યું કે હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ન્યાય આપવામાં આવશે. નેપાળમાં હાલ કર્ફ્યૂ અને નિષેધાજ્ઞા લાગૂ છે, પરંતુ કાર્કીની પસંદગીથી દેશમાં રાજકીય સ્થિરતા લાવવાની આશા જાગી છે.