દિવાળી પહેલાં ઈન્ટેલીજન્સ એજન્સીઓએ એક મોટી સફળતા હાંસલ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને સેન્ટ્રલ એજન્સીઓએ દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં દરોડા પાડીને ISISના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરીને એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન, દિલ્હીમાંથી બે અને અન્ય રાજ્યોમાંથી ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ પકડાયા હતા.
આતંકવાદીઓની ઓળખ મુંબઈના આફતાબ અને સુફિયાન તરીકે થઈ છે, જેમને દિલ્હીથી પકડવામાં આવ્યા હતા. તેમના મુંબઈના ઠેકાણાઓ પર સ્પેશિયલ સેલે દરોડા પાડતા હથિયારો અને IED બનાવવાનો સામાન મળી આવ્યો હતો.ઝારખંડના રાંચીમાંથી ધરપકડ કરાયેલા અશહર દાનિશ પાસેથી પણ કેમિકલ IED બનાવવાનો સામાન જપ્ત થયો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આતંકવાદીઓનું જૂથ કોઈ મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યું હતું.દિલ્હી પોલીસને એક બાતમીદાર પાસેથી આતંકવાદી આફતાબ વિશે બાતમી મળી. આ બાતમીના આધારે, સ્પેશિયલ સેલે દરોડો પાડીને આફતાબને ઝડપી લીધો. તેની પૂછપરછ દરમિયાન, પોલીસને દાનિશ વિશે જાણકારી મળી. આફતાબની માહિતીને પગલે, પોલીસે ઈન્ટેલીજન્સ એજન્સીઓ સાથે મળીને ઝારખંડની રાજધાની રાંચીમાં દરોડા પાડ્યા.
ઝારખંડ એટીએસ અને રાંચીની સ્થાનિક પોલીસની મદદથી, ઇસ્લામ નગરની એક લોજ પર દરોડો પાડવામાં આવ્યો, જ્યાં અશહર ઉર્ફે દાનિશ એક વિદ્યાર્થી તરીકે છુપાઈને રહેતો હતો. તેની ધરપકડ બાદ, પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો કે તે કેમિકલ હથિયારો બનાવવામાં નિષ્ણાત છે. દાનિશ અને આફતાબની પૂછપરછને આધારે, અન્ય ત્રણ આતંકવાદીઓ પણ પકડાઈ ગયા.