શહેરમાં બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દે
અમદાવાદમાં આવેલી અનિલ બાયોપ્લસ કંપનીમાં CBI એ દરોડા પાડ્યા હતા. કંપનીના ડાયરેક્ટર
અમોલ શેઠ, દર્શન મહેતા અને નલિન ઠાકુરને ત્યાં દરોડા પાડી CBIએ કાર્યવાહી કરી હતી. આ
કાર્યવાહી બેંક ઓફ ઇન્ડિયા (BOI) ની ફરિયાદ પર કરવામાં આવી છે.
કંપની અને તેના ડાયરેક્ટરોએ ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતી આપીને બેંક સાથે છેતરપિંડી કરી
હોવાનો આરોપ છે. આ કેસ નોંધાયા બાદ CBIએ તરત જ કાર્યવાહી કરી હતી. તેમણે અમદાવાદ અને
ગાંધીનગરમાં આવેલી ABL કંપનીની ઓફિસો અને ડાયરેક્ટરોના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું
હતું. આ સર્ચ દરમિયાન, CBIને ઘણા મહત્વના દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને અન્ય પુરાવા મળ્યા છે, જે
આ છેતરપિંડીના કાવતરાને ઉઘાડો પાડવામાં મદદ કરશે.
CBIએ આ ગુનામાં કંપનીના ડાયરેક્ટરો અમોલ શેઠ, દર્શન મહેતા અને નલિન ઠાકોર સામે કેસ નોંધ્યો
છે. આ આરોપીઓની વધુ પૂછપરછ કરીને તપાસ ચાલી રહી છે. ઉપરાંત આ કૌભાંડમાં અન્ય કોઈ
વ્યક્તિઓ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.બેંક ઓફ ઇન્ડિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે
ABL કંપનીએ જુદા જુદા બેંક ખાતાઓ અને પ્રોજેક્ટો માટે લોન લીધી હતી. પરંતુ, આ લોનનો ઉપયોગ
જે હેતુ માટે લેવામાં આવી હતી તેના બદલે બીજી જગ્યાએ કર્યો હતો, જેના કારણે બેંકને મોટું નુકસાન
થયું હતું.