ભારતીય ક્રિકેટ T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 દરમિયાન ટોસ વખતે
પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. જે મામલે વિવાદ થતા તેમણે
પોતાના નિર્ણયનો બચાવ પણ કર્યો છે. એટલું જ નહીં, મેચ પછી ભારતીય ખેલાડીઓએ પણ પાકિસ્તાની
ટીમ સાથે હાથ મિલાવ્યો ન હતો, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ બાઉન્ડ્રી પાસે લાઇનમાં રાહ જોઈ રહ્યા
હતા. પરંતુ ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો. ખરેખર, આ એક પરંપરા છે,
જેમાં બંને ટીમના ખેલાડીઓ મેચ સમાપ્ત થયા પછી એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે.
એક પત્રકારે સૂર્યકુમારને પૂછ્યું કે શું તમને લાગે છે કે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇનકાર
કરવો રમતની ભાવના વિરુદ્ધ છે? આના જવાબમાં સૂર્યાએ કહ્યું કે કેટલીક બાબતો રમતની ભાવનાથી
ઉપર હોય છે. જોકે, અગાઉ સૂર્યકુમારે મેચ પછીના સમારોહમાં કહ્યું હતું કે અમે પહલગામના પીડિત
પરિવારો સાથે ઉભા છીએ. અમે પીડિતો સાથે એકજૂટતા વ્યક્ત કરીએ છીએ, આ જીત અમારા તમામ
સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ અમને પ્રેરણા આપતા રહેશે.પાકિસ્તાની
ટીમ સાથે હાથ ન મિલાવવાના નિર્ણય અંગે સૂર્યાએ કહ્યું કે અમારી સરકાર અને BCCI આ નિર્ણય પર
એકમત હતા. અમે અહીં ફક્ત રમત રમવા માટે આવ્યા હતા અને મને લાગે છે કે અમે તેમને યોગ્ય
જવાબ આપ્યો છે.
એશિયા કપ: ભારતીય ટીમનો પાકિસ્તાન સામે શાનદાર વિજય
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે એશિયા કપ 2025ની ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ
હતી. જેમાં ભારતની 7 વિકેટથી જીત થઈ છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને
પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન બનાવ્યા
અને ભારતને જીત માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ભારતીય ટીમે 15.5 ઓવરમાં 3 વિકેટના
નુકસાન પર 131 રન બનાવીને પાકિસ્તાનને માત આપી છે.
આ મેચ અગાઉ ભારતે આ ટુર્નામેન્ટમાં UAE સામે એક મેચ રમી હતી, જેમાં ભારતે જીત મેળવી છે.
ત્યારે, પાકિસ્તાનની ટીમે આ અગાઉની મેચમાં ઓમાનને હરાવ્યું છે. જોકે, બીજી તરફ પાકિસ્તાન સાથે
મેચ રમાવાને લઈને વિરોધનો સૂર ઉઠી રહ્યો છે, કારણ કે પહલગામ આતંકવાદી હુમલા બાદ પહેલીવાર
બંને ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચનો બહિષ્કાર કરવાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા
તેજ થઈ ગઈ છે. પરંતુ બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મેચથી પીછેહટ ન કરી
શકાય.