રશિયા પાસેથી  ક્રૂડ ઓઇલ ખરીદવાને કારણે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ આવ્યો હતો. જોકે, બંને દેશોએ ફેબ્રુઆરીમાં એક દ્વિપક્ષીય વેપાર કરાર(BTA) પર વાટાઘાટો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જેનો પ્રથમ તબક્કો 2025ના અંત સુધીમાં પૂર્ણ કરવાનો હતો. પાંચ રાઉન્ડની વાટાઘાટો બાદ, છઠ્ઠો રાઉન્ડ 25-29 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો હતો. પરંતુ અમેરિકાએ ટેરિફ લાદતા તે મુલતવી રહ્યો હતો. જેને લઈને હવે આજે બંને દેશો વચ્ચે એક બેઠક યોજાઈ હતી.
સાઉથ અને મીડલ ઈસ્ટ એશિયાના બિઝનેસ પ્રતિનિધિ બ્રેંડન લિંચ અમેરિકા તરફથી દ્વિપક્ષીય વાટાઘાટો કરવા માટે ચીફ નેગોશિએટર તરીકે નવી દિલ્હી ખાતે આવ્યા હતા. જેમણે મંગળવારે ભારતના એડિશનલ સેક્રેટરી રાજેશ અગ્રવાલ સાથે બેઠક કરી હતી. અમેરિકાના દૂતાવાસ દ્વારા જણાવ્યાનુસાર આ બેઠક 7 કલાક સુધી ચાલી હતી. જે સકારાત્મક રહી હતી.વાણિજ્ય મંત્રાલયે આ બેઠકને “સકારાત્મક અને દૂરંદેશી” ગણાવી છે અને જણાવ્યું છે કે, “વેપાર કરારને વહેલી તકે પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.” ભારતે સ્પષ્ટ કર્યું છે કે, “રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી રાષ્ટ્રીય હિત અને બજારની જરૂરિયાત પર આધારિત છે. અમે ખેડૂતો, ડેરી ઉત્પાદકો અને MSMEના હિતોનું રક્ષણ કરીશું.” ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ 50 ટકા ટેરિફ લાદ્યા બાદ અમેરિકાના કોઈ ઉચ્ચ પદ પર બિરાજમાન વેપાર અધિકારીનો આ પહેલો પ્રવાસ છે.
			

                                
                                



