ભારતના વિદેશ મંત્રાલયે નાટો ચીફના નિવેદનને ખોટું ગણાવ્યું છે. તેમજ કહ્યું કે નાટોના વડા માર્ક રુટનું
પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની ફોન પર વાતચીત અંગેની વાત ખોટી અને
પાયાવિહોણી છે. તેમના નિવેદનમાં કોઈ સત્ય નથી. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર
જયસ્વાલે જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે આવી કોઈ વાતચીત નથી થઈ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તેમણે નાટો
ચીફ માર્ક રુટની મદદથી આ બાબતે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ત્યારે હવે આ જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. માર્ક
રુટએ પીએમ મોદી અને પુતિન અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના
દબાણમાં આવીને પીએમ મોદીએ પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધ રોકવાની યોજના અંગે પૂછ્યું હતું.
તેમજ બંને દેશોએ ટ્રમ્પના ટેરિફ અંગે ઘણી ચર્ચાઓ કરી છે. નાટોના વડા માર્ક રુટેએ ન્યૂયોર્કમાં એક
અમેરિકન ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં આ ખોટું નિવેદન આપ્યું હતું.
આ ઉપરાંત વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે નાટો ચીફ માર્ક રુટેએ પીએમ મોદી અને પુતિન વિશે
આ રીતે વાત ન કરવી જોઈએ. વિદેશ મંત્રાલય હંમેશા અપેક્ષા રાખે છે કે નાટો જેવી સંસ્થાઓએ તેના
જાહેર નિવેદનોમાં વધુ જવાબદારી નિભાવવી જોઈએ. પરંતુ આ નિવેદન નિરાશાજનક છે. નાટોએ આવા
નિવેદનો આપવાનું ટાળવું જોઈએ.