અમેરિકામાં શટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક સલાહકારોએ ચેતવણી આપી
છે કે લાંબા સમય સુધી સરકારી કામકાજ બંધ રહેવાથી ગંભીર આર્થિક પરિણામો આવી શકે છે. વ્હાઇટ
હાઉસના મેમોમાં જણાવાયું છે કે દર અઠવાડિયે શટડાઉન ચાલુ રહેશે તો અમેરિકાની જીડીપીને લગભગ
15 અબજ ડૉલરનું નુકસાન થઈ શકે છે.
જો આ શટડાઉન એક મહિનો પણ ખેંચાઈ જશે તો 43,000 વધુ લોકોએ તેમની નોકરી ગુમાવવી પડશે.
તેમાં 19 લાખ ફેડરલ સરકારના કર્મચારીઓનું નુકસાન તો સામેલ જ નથી જેઓ કાં તો પગાર વિના
કામ કરી રહ્યા છે અથવા રજા પર છે. તેમાંથી 80 ટકા કર્મચારીઓ વોશિંગ્ટનમાં રહે છે. વ્હાઇટ હાઉસના
સહાયકો કહે છે કે આ દસ્તાવેજ રિપબ્લિકનના સાંસદોને મોકલવામાં આવશે જેથી તેઓ શટડાઉન માટે
તેમની રાજકીય વ્યૂહરચના નક્કી કરી શકે. ઓબામા કેર આરોગ્ય વીમા સબસિડી માટેના ભંડોળ અંગે
કોંગ્રેસ હાલમાં વિભાજિત છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દાવો કરે છે કે આ સબસિડી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જશે.