તાજેતરમાં જ મુંબઈ મેટ્રો-3નો કફ પરેડથી સાયન્સ સિટી સુધીનો ફેસ 8મી ઑક્ટોબરથી શરૂ થયો છે.
પહેલા દિવસે મેટ્રો-3ને ઘણો સારો પ્રતિસાદ મળતા લગભગ 1.56 લાખ જેટલા લોકોએ તેનો ઉપયોગ
કર્યો હતો. મુંબઈ મેટ્રો શહેરની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો છે જે 33 કિલોમીટર લાંબી છે અને દક્ષિણ
મુંબઈના કફ પરેડથી પશ્ચિમના આરે કોલોની વિસ્તારને જોડે છે.
આ મેટ્રોની ડિઝાઈન અને તેનું ભૂમિપૂજન 2014માં તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના હસ્તે
કરવામાં આવ્યું હતું, પરંતુ 2014માં મહારાષ્ટ્રમાં સત્તાપલટો થયો અને ભાજપ-શિવસેનાની સરકાર આવી
અને ત્યારબાદ દસ વર્ષે આ મેટ્રો ફુલ્લી ઑપરેશનલ થઈ છે ત્યારે એક રાજકીય મુદ્દે કૉંગ્રેસે નારાજગી
જતાવી છે.કૉંગ્રેસના નેતા સચીન સાવંતે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ટ્વીટ કરી જણાવ્યું છે કે
આખું વિશ્વ જેને નહેરુ સાયન્સ સેન્ટરના નામથી જાણે છે, તે મેટ્રો સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી
નાખવામાં આવ્યું છે. વરલીનું નહેરુ સાયન્સ સેન્ટર જગવિખ્યાત છે. મુંબઈ મેટ્રો-3એ તેમના સ્ટેશનની
માહિતી આપતા ટ્વીટમાં પણ ડિસ્કવરી હબ તરીકે નહેરુ સાયન્સ સેન્ટરનું નામ લખ્યું છે.
પરંતુ સ્ટેશન પર જે તખ્તી લગાવી છે, તેમાં માત્ર સાયન્સ સેન્ટર લખયું છે. કૉંગ્રેસે દાવો કર્યો છે કે
ભાજપને નહેરુ નામની એલર્જી છે. જેથી નામમાંથી નહેરુ કાઢી નાખ્યું છે. આ દેશના પહેલા વડા પ્રધાન
ભારતરત્ન જવાહરલાલ નહેરુનું અપમાન છે. ભારતને આધુનિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિ આપવામાં તેમનું
યોગદાન અમૂલ્ય છે. આમ કરી ભાજપે ફરી સંકુચિત, અસહિષ્ણુ અને વેરઝેરની ભાવના જાહેર કરી
છે.દિલ્હીની નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરીનું નામ બદલીને પ્રાઈમ મિનિસ્ટર લાયબ્રેરી
રાખવામાં આવ્યું, નહેરુ યુવા સંગઠન કેન્દ્રનું નામ બદલી માય ભારત કરવામાં આવ્યું તો અમદાવાદના
સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું. પંડિત
જવાહરલાલ નહેરુનું વ્યક્તિત્વ એટલું મોટું છે કે ભાજપે તેમની કોઈપણ રીતે ટીકા કરી તો તે આકાશ પર
થૂંકવા સમાન છે. ભાજપની આ માનસિકતા માત્ર ઈતિહાસને ખોટી રીતે દર્શાવતો નથી, પરંતુ
આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યું છે. આથી વરલીના મેટ્રોસ્ટેશનના નામમાં
જવાહરલાલ નહેરુનું નામ ફરી ઉમેરવામાં આવે, તેવી માગણી કોંગ્રેસે કરી છે.