ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સને નાણાંકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખ લંબાવીને 30મી નવેમ્બર, 2025 કરવા માટે તાત્કાલિક નિર્દેશો જારી કર્યા છે. જસ્ટિસ ભાર્ગવ ડી. કારીયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ 31મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી, ત્યારે આવકવેરા કાયદાની જોગવાઈઓ મુજબ બંને વચ્ચે એક મહિનાનો ગાળો જાળવવા માટે ITR ફાઈલ કરવાની નિયત તારીખ પણ લંબાવવી જરૂરી છે.
ઈન્કમટેક્સ બાર એસોસિયેશન દ્વારા દાખલ કરાયેલી રિટ અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે CBDT પાસે સ્પષ્ટતા માંગી હતી કે જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ લંબાવવામાં આવી, તો ITR ફાઈલ કરવાની તારીખ કેમ લંબાવવામાં આવી નહીં. હાઈકોર્ટે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ ટાંકતા જણાવ્યું હતું કે, કલમ-44 એબી હેઠળ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની તારીખ અને આવકનું રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખ વચ્ચે એક મહિનાનો સમયગાળો રાખવાનો વિધાનસભાનો હેતુ છે. આ સમયગાળો વ્યવસાય કે બિઝનેસમાંથી આવક ધરાવતા કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવામાં સક્ષમ બનાવવા માટે જરૂરી છે.