મેક્સિકોમાં ગયા અઠવાડિયે મુસળધાર વરસાદના કારણે 64 લોકોના મૃત્યુ થયા અને 65 ગુમ છે.સરકારે સોમવારે જણાવ્યું કે, ભારે વરસાદના કારણે ભૂસ્ખલન પણ થયા છે. અમુક નગર પાલિકાઓમાં વિજ પુરવઠો ખોરવાયો છે અને અનેક નદીઓના જળસ્તર ચિંતાજનક સ્થિતિએ વધ્યા છે.
મેક્સિકોના અધિકારીઓએ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર ખાલી કરાવવા, સાફ કરવા અને પરિસ્થિતિ પર નજર રાખવામાં મદદ માટે હજારો કર્મચારીઓને તૈનાત કર્યા છે. છેલ્લાં એક અઠવાડિયાથી સતત અહીં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે.
નાગરિક સુરક્ષાના રાષ્ટ્રીય સંયોજક લારા વેલાઝક્વેઝે જણાવ્યું હતું કે, હિડાલ્ગો અને વેરાક્રુઝ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો છે. વેરાક્રુઝમાં 29 લોકોના મોત અને 18 લોકો ગુમ થયાની જાણ થઈ છે, જ્યારે હિડાલ્ગોમાં 21 લોકોના મોત અને 43 લોકો ગુમ થયાની માહિતી સામે આવી છે. પાંચ રાજ્યોમાં નગરપાલિકાઓનો વીજ પુરવઠો ખોરવાયો હતો, પરંતુ હવે મોટાભાગે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.