અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઇજિપ્તમાં ગાઝા શાંતિને લઈને આયોજિત સંમેલનમાં ભારત ચઅને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન હવે સારી રીતે એકબીજા સાથે રહેશે. આ દરમિયાન તેઓ મંચ પર પાછળ ઉભેલા પાક. વડાપ્રધાન શાહબાઝ શરીફ તરફ ફર્યા અને પૂછ્યું- ‘બરાબર ને?’ ટ્રમ્પના આ સવાલ બાદ પાકિસ્તાની વડાપ્રધાન શરીફ મોઢું હલાવીને હા કહ્યું. આ ઘટનાથી કાર્યક્રમમાં હાજર નેતા અને મીડિયાના લોકોના મોઢા પર હળવું સ્મિત આવી ગયું હતું.
પોતાના સંબોધનમાં ટ્રમ્પે કેમેરા તરફ હસતા કહ્યું કે, ‘ભારત એક મહાન દેશ છે, જેની ટોચ પર મારો એક ખૂબ સારો મિત્ર છે. તેમણે શાનદાર કામ કર્યું છે. મને લાગે છે કે, પાકિસ્તાન અને ભારત સાથે મળીને ખૂબ સારી રીતે રહેશે.’ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતાહહ અલ-સીસી સાથે ગાઝા શાંતિ સમિટની અધ્યક્ષતા કરી રહેલા ટ્રમ્પે પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે, પ્રાદેશિક શાંતિ સારા મિત્રોના સારા કામ પર નિર્ભર કરે છે. તેમણે પાછળ ફરીને પાક. વડાપ્રધાનના સાથે હળવા અંદાજમાં મજાક કરતા પૂછ્યું, ખરું ને? ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મંચ પર ભાષણ આપવા બોલાવ્યા, બાદમાં શરીફે ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાને ટ્રમ્પના દાવાનું સમર્થન કરતાં કહ્યું કે ટ્રમ્પની મધ્યસ્થીના કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું હતું. ટ્રમ્પ ભાષણ આપી રહ્યા હતા, એમાં અચાનક જ તેમણે પાકિસ્તાનના વડાપ્રધાનને ભાષણ આપવા આમંત્રણ આપ્યું. શાહબાઝ શરીફે કહ્યું, કે ‘આજનો દિવસ આધુનિક ઈતિહાસમાં સૌથી મહાન દિવસોમાંથી એક છે. ટ્રમ્પના પ્રયાસોના કારણે જ શાંતિ સ્થાપિત થઈ છે. ટ્રમ્પના કારણ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું. તમે નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી યોગ્ય ઉમેદવાર વ્યક્તિ છે.’






