રિટાયરમેન્ટ ફન્ડ બોડી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના બોર્ડે તેના સાત કરોડ ખાતાધારકો માટે નાણાં ઉપાડવાનું સરળ બનાવ્યું છે અને એમ્પ્લોઈઝ પ્રાવડિન્ટ ફન્ડના 100 ટકા કે પૂરેપૂરી જમા રકમ ઉપાડવાની છૂટ આપી છે.ઈપીએફઓની નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીએ શ્રમપ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં બેઠકમાં અનેક નવો ચીલો પાડનારા નિર્ણયો લીધા હતા.
શ્રમ મંત્રાલયે આજે નિવેદનમાં કહ્યું હતું કે ઈપીએફ સભ્યોના જીવનને સરળ બનાવવા સીબીટીએ આંશિક નાણા ઉપાડવાના નિયમોને સરળ બનાવ્યા હતા. 13 સંકીર્ણ જોગવાઈઓને એક કરીને એક સરળ નિયમ ઘડવામાં આવ્યો હતો. આમાં ત્રણ શ્રેણી રાખવામાં આવી છે જે આવશ્યક જરૂરિયાત આવાસની જરૂરિયાત અને ખાસ સંજોગો છે.હવે સભ્યો પ્રોવિડન્ટ ફન્ડમાં કર્મચારી અને માલિક બન્નેના હિસ્સાનું પાત્રતા ધરાવતું બેલેન્સ 100 ટકા ઉપાડી શકશે. નાણાં ઉપાડવાની મર્યાદાને વધારવામાં આવી છે. હવે શૈક્ષણિક ઉપાડમાં 10 ગણા અને લગ્ન ઉપાડમાં પાંચ ગણાની છૂટ અપાઈ છે. હાલમાં શિક્ષણ અને મેરેજ માટે ફક્ત ત્રણ આંશિક ઉપાડની છૂટ હતી.અગાઉ ખાસ સંજોગોમાં સભ્યે આંશિક ઉપાડ માટે કુદરતી આફત, લોકઆઉટ કે કંપની બંધ થવાના કે સતત બેકારી, રોગચાળો જેવા કારણો આપવા પડતાં હતાં. આને લીધે ઘણી વાર દાવાને નકારી કાઢવામાં આવતો હતો. જોકે હવે કોઈ કારણ આપવું નહીં પડે.