હાઉસ ફોરેન અફેયર્સ કમિટીના રેન્કિંગ મેમ્બર પ્રતિનિધિ ગ્રેગરી ડબલ્યુ મીક્સના નેતૃત્વમાં, અમેરિકાના દ્વિપક્ષીય સાંસદોના એક જૂથે ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ભારતમાં યોજાનારી QUAD લીડર્સ સમિટ અને એશિયાની અન્ય મહત્ત્વપૂર્ણ બેઠકોમાં પોતે હાજરી આપે.આ પત્ર પર ઈસ્ટ એશિયા અને પેસિફિક સબકમિટીના ચેરવુમન યંગ કિમ અને રેન્કિંગ મેમ્બર એમી બેરા, તેમજ સાઉથ અને સેન્ટ્રલ એશિયા સબકમિટીના ચેરમેન બિલ હ્યુઝેન્ગા અને રેન્કિંગ મેમ્બર સિડની કેમલેગર-ડવ સહિત અન્ય લોકોએ પણ હસ્તાક્ષર કર્યા છે.
સાંસદોએ પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, ‘ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અમેરિકાની સુરક્ષા અને સમૃદ્ધિ માટે ખૂબ જ નિર્ણાયક છે, અને તે ચીન સાથેની આપણી વ્યૂહાત્મક સ્પર્ધાનું મુખ્ય કેન્દ્ર પણ છે. હાલમાં, બેઇજિંગ આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ ઝડપથી વધારી રહ્યું છે. આ સ્થિતિમાં, આ પાનખર ઋતુમાં યોજાનારી ત્રણ મુખ્ય બહુપક્ષીય પરિષદો – ઈસ્ટ એશિયા સમિટ (મલેશિયા), એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટ (દક્ષિણ કોરિયા) અને ક્વાડ લીડર્સ સમિટમાં તમારી વ્યક્તિગત હાજરી અનિવાર્ય છે. આનાથી અમેરિકાનું નેતૃત્વ સ્પષ્ટપણે પ્રદર્શિત થશે અને ચીનની મહત્વાકાંક્ષાઓનો અસરકારક જવાબ આપી શકાશે.’ પત્રમાં ભારપૂર્વક જણાવાયું છે કે, ક્વાડ જૂથબંધી અમેરિકાના હિતોને આગળ વધારવા માટેની કેન્દ્રીય આધારશિલા સમાન છે. ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત સાથેની અમારી ક્વાડ ભાગીદારી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહિયારા હિતોને પ્રોત્સાહન આપવા માટેની મુખ્ય આધારશિલા તરીકે કામ કરે છે.’