ઠંડી વધવાની સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR વિસ્તારમાં વાયુ પ્રદુષણનું સ્તર ખુબજ
વધી જતું હોય છે. આજે સવારે દિલ્હીમાં તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યું હતું અને ગાઢ
ધુમ્મસ છવાયેલી જોવા મળી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, સોમવારે સવારે 6 વાગ્યે
શહેરમાં એકંદર AQI 346 હતો, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે. ગઈકાલે સાંજે દિલ્હીવાસીઓ
વધતા પ્રદુષણ સામે વિરોધ પ્રદર્શન કરવા નીકળી પડ્યા હતાં.
ગઈકાલે રવિવારે સાંજે 5 વાગ્યે ઈન્ડિયા ગેટ પાસે લોકો ક્લાઈમેટ એક્ટીવીસ્ટ, રાજકીય નેતાઓ અને
નાગરિકો શહેરમાં વધી રહેલા વાયુ પ્રદુષણના સ્તર સામે વિરોધ દર્શાવવ એકઠા થવા લાગ્યા હતા.
દિલ્હી પોલીસે કહ્યું હતું કે લોકો પોલીસની પરવાનગી વિના એકઠા થયા હતા, મોટા પાયે પોલીસ
બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે પોલીસે તેમને ધમકી આપી
હતી. લોકોએ દિલ્હી પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર સામે નારા લગાવ્યા હતાં. લોકો વિવિધ સુત્રો લખેલા
પ્લેકાર્ડ લઇને આવ્યા હતાં. દિલ્હી પીલીસે સંખ્યાબંધ લોકોની અટકાયત કરી હતી અને તેમને અજ્ઞાત
સ્થળે લઇ ગયા હતાં.






