બિહાર વિધાનસભા ચૂંટણી 2025નો આજે છેલ્લો અને મહત્વનો તબક્કો ચાલુ થયો છે. 122 બેઠકો પર 3.7 કરોડથી વધુ મતદારો 1302 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. સીમાંચલ સહિત 20 જિલ્લાઓમાં સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 65 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જેના કારણે આજના દિવસની રોનક વધુ વધી છે. આજે બીજા અને અંતિમ તબક્કામાં શરૂઆતના બે કલાકમાં 14.55% જેટલું મતદાન થયાના અહેવાલો મળી રહ્યા છે.
નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે રાજ્યભરમાં 4 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. બિહાર પોલીસના ડીજીપી વિનય કુમારે જણાવ્યું કે, આ વખતે પહેલા તબક્કા કરતાં પણ વધુ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. કેન્દ્રીય દળની 1650 કંપનીઓ સાથે રાજ્ય પોલીસની વધારાની ટુકડીઓ દરેક મતદાન મથક પર હાજર છે. ભારત-નેપાળ સરહદને શનિવારથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સાથેની સરહદો રવિવાર સાંજ સુધીમાં સીલ થઈ ગઈ. ઝારખંડ પોલીસે પોતાના 10 સીમાવર્તી જિલ્લાઓમાં 43 ચેકપોસ્ટ ઊભી કરીને અવૈધ હલચલ રોકી છે. પલામૂ, ગઢવા, ગોડ્ડા, સાહિબગંજ જેવા જિલ્લાઓમાં નિષેધાજ્ઞા પણ લાગુ છે. નીતીશ સરકારના અનેક મોટા મંત્રીઓની સાખ આ તબક્કામાં દાવ પર છે. સુપૌલથી વિજેન્દ્ર પ્રસાદ યાદવ, ઝાંઝરપુરથી નીતીશ મિશ્રા, બેતિયાથી રેણુ દેવી, ધમદાહાથી લેશીસિંહ અને ચેનપુરથી જમા ખાન જેવા દિગ્ગજોનું ભવિષ્ય આજે ઈવીએમમાં કેદ થશે.






