દિલ્હીમાં બ્લાસ્ટ થયા પછી, પોલીસે સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિને જોયો છે. પોલીસ શંકાસ્પદના રૂટને શોધવા માટે 100 થી વધુ ક્લિપ્સ પર કામ કરી રહી છે. સોમવારે સાંજે રાજધાનીમાં લાલ કિલ્લા પાસે થયેલા એક વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા છે. અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પાસે બની હતી, જ્યાં હ્યુન્ડાઇ i20 કારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે જેમાં શંકાસ્પદની કાર પાર્કિંગ વિસ્તારમાં પ્રવેશતો અને બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. પ્રારંભિક તપાસ સૂચવે છે કે, તે સમયે શંકાસ્પદ એકલો જોવા મળે છે. તપાસકર્તાઓ હવે દરિયાગંજ તરફના રૂટને ટ્રેસ કરી રહ્યા છે અને વાહનની સમગ્ર ગતિવિધિને ટ્રેસ કરવા માટે 100 થી વધુ સીસીટીવી ક્લિપ્સની તપાસ કરવામાં આવી રહી છે. તપાસના ક્ષેત્રમાં ઘટના સ્થળની નજીકના ટોલ પ્લાઝાના ફૂટેજનો પણ સમાવેશ થાય છે.
કાર ત્રણ કલાક લાલ કિલ્લા નજીક પાર્કિંગમાં ઉભી રહી
દિલ્હી પોલીસે વિસ્ફોટના સંદર્ભમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ, વિસ્ફોટકો અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કોટવાલી પોલીસ સ્ટેશનમાં UAPA અને વિસ્ફોટકો અધિનિયમની કલમ 16 અને 18 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરીશું: ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ઘટનાની માહિતી મળ્યાના 10 મિનિટમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દિલ્હી સીપી અને સ્પેશિયલ બ્રાન્ચના ઇન્ચાર્જ પણ ઘટનાસ્થળે હાજર છે. અમે બધી શક્યતાઓની તપાસ કરી રહ્યા છીએ અને તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરીશું. પરિણામો લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
દિલ્હી બ્લાસ્ટના આતંકવાદીની પહેલી તસવીર સામે આવી
સોમવારની સાંજે દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરનાર આતંકવાદી ઉમરનો પહેલો ફોટો સામે આવ્યો છે. તેણે જ વિસ્ફોટ કર્યો હતો જેમાં નવ લોકો માર્યા ગયા હતા અને 24 અન્ય ઘાયલ થયા હતા. મંગળવારે થયેલા વિસ્ફોટ પહેલાના CCTV ફૂટેજમાં પાર્કિંગમાંથી એક સફેદ I-20 કાર બહાર આવતી દેખાઈ રહી છે. તે ડૉ. મોહમ્મદ ઉમર હોવાની શંકા છે.
પહાડગંજ અને દરિયાગંજમાં હોટલોમાં પોલીસ દ્વારા 4 શંકાસ્પદોની અટકાયત
દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આખી રાત દિલ્હી પોલીસે પહાડગંજ, દરિયાગંજ અને આસપાસના વિસ્તારોમાં હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોલીસ ટીમોએ હોટલના રજિસ્ટર તપાસ્યા. સર્ચ દરમિયાન ચાર શંકાસ્પદોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.






