રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરે સાંજે કારમાં થયેલા વિસ્ફોટમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ
અને ફોરેન્સિક ટીમના જણાવ્યા મુજબ, વિસ્ફોટકથી ભરેલી હ્યુન્ડાઈ આઈ20 કારમાં રહેલો શખ્સ આતંકી
ડૉ. ઉમર જ હતો. કારમાંથી મળેલા શબના ડીએનએ ટેસ્ટ ઉમરના પરિવારના સભ્યોના સેમ્પલ સાથે
100 ટકા મેચ થયો છે. જેનાથી સ્પષ્ટ થયું છે કે આતંકી ઉમરે જ દિલ્હી કાર બ્લાસ્ટને અંજામ આપ્યો
હતો.
તપાસ એજન્સીઓને પહેલાથી જ આ હુમલાખોર ડૉ. ઉમર હોવાનીઆશંકી હતી. તે ફરીદાબાદના વ્હાઇટ
કૉલર ટેરર મોડ્યૂલનો મુખ્ય સભ્ય હતો અને ફરાર હતો. પુલવામાના સંબૂરામાં રહેતા ઉમરના
પરિવારજનોની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પૂછપરછ કરી હતી. ઉમરની માતા અને ભાઈના
ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે કારના કાટમાળમાંથી મળેલા અવશેષો (હાડકાં, દાંત, કપડાના
ટુકડા) સાથે મેચ કરવામાં આવ્યા હતા. જેનાથી સ્પષ્ટ થયું કે ઉમર જ કાર ચલાવતો હતો.
સુરક્ષા એજન્સીઓ દબોચી લેશે તેમ લાગતાં તેણે કારની સાથે પોતાની જાતને જ ઉડાવી દીધી હતી.
સૂત્રો મુજબ, ઉમર કટ્ટરપંથી થઈ ગયો હોવાની પરિવારને પહેલાથી જ ખબર હતી. તેમ છતાં તેમણે
સુરક્ષા એજન્સીઓ જાણ કરી નહોતી. ઉમર તુર્કીના અંકારામાં બેઠેલા પોતાના હેન્ડલર સાથે સેશન એપ
સાથે સતત સંપર્કમાં હતો.
સૂત્રો મુજબ, માર્ચ 2022માં કેટલાક લોકો ભારતથી અંકારા ગયા હતા. જેમાં ઉમર સહિત ફરીદાબાદ ટેરર
મોડ્યૂલમાં પકડાયેલા અન્ય શંકાસ્પદો પણ સામેલ હતા. આ દરમિયાન તેમનું બ્રેન વૉશ કરવામાં આવ્યું
હતું. તેની પુષ્ટિ માટે એનઆઈએ તુર્કિયેના દૂતાવાસ સાથે સંપર્કમાં છે.





