પુણેના નવલે બ્રિજ ખાતેના સેલ્ફી પૉઈન્ટ નજીક થયેલા ભયાનક અકસ્માતમાં છ જણે જીવ ગુમાવ્યા હતા. સાતારાથી મુંબઈની દિશામાં આવી રહેલું કન્ટેનર બ્રેક ફેઈલ થવાથી છથી સાત વાહન સાથે ટકરાયા પછી ટ્રક સાથે ભટકાયું હતું, જેમાં કન્ટેનર અને ટ્રકની વચ્ચે ફસાઈ ગયેલી એક કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. વાહનોની જોરદાર અથડામણને કારણે ફાટી નીકળેલી આગમાં બે વાહન સળગી ગયાં હતાં, જેમાં 10 જણ ઘવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
પુણે શહેરના સિંહગડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર દિલીપ દાઈગડેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ગુરુવારની સાંજે 5.30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં કારમાં હાજર ચાર અને ટ્રકમાંના બે લોકોનાં મૃત્યુ થયાં હતાં. જખમીઓને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. રાત સુધી મૃતકોની ઓળખ થઈ શકી નહોતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના મુંબઈ-બેંગલુરુ હાઈવે પર પુણે શહેરમાં કાત્રજ-દેહુ રોડ બાયપાસ નજીક નવલે બ્રિજથી થોડે અંતરે બની હતી. કહેવાય છે કે સાતારાથી મુંબઈ તરફ જઈ રહેલા મલ્ટિ-ટાયર કન્ટેનરનું બ્રેક ફેઈલ થયું હતું, જેને કારણે કન્ટેનર બેકાબૂ બન્યું હતું. ડ્રાઈવર કન્ટેનર પર કાબૂ ન રાખી શકતાં છથી સાત વાહન અડફેટે આવ્યાં હતાં.






