વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ૩1 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ તેઓ આજે રાજ્યના આદિવાસી પટ્ટાનો પ્રવાસ કરી રહ્યા છે.
આજે સવારે વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થયું હતું, જ્યાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બિહારમાં NDAની જીત બાદ વડાપ્રધાનની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે. સુરતમાં તેઓ બાય રોડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજની સમીક્ષા કરવા માટે ગયા હતા.આ ઉપરાંત, સુરત ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.
નર્મદામાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સુરત ખાતેના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લા જવા રવાના થશે. અહીં તેઓ ‘આદિવાસી ગૌરવ દિવસ’ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થવાના છે. તેઓ પ્રથમ આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર દેવ મોગરા મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ દેડિયાપાડા ખાતે એક જંગી સભાને સંબોધિત કરશે.
દેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદી રૂ.7900 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ લગભગ ચાર વાગ્યા બાદ વડાપ્રધાન સભા સ્થળેથી હેલિપેડ જવા રવાના થશે. ત્યાંથી તેઓ સુરત એરપોર્ટ પહોંચશે અને સાંજે 5:00 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. આમ વડાપ્રધાનનો આ એક દિવસીય પ્રવાસ મુખ્યત્વે આદિવાસી વિસ્તાર પર કેન્દ્રિત રહેશે.






