ઢાકા બાંગ્લાદેશમાં એક વર્ષ પહેલા થયેલી ભીષણ હિંસાની વરસી પર દેશ ફરી એકવાર રાજકીય હિંસાની આગમાં સળગી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પર લાગેલા આરોપો અંગે આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ (ICT) આજે (સોમવારે) પોતાનો ચુકાદો સંભળાવવાનું છે, તે પહેલા જ રાજધાની ઢાકા સિરિયલ બોમ્બ ધમાકાઓથી ધણધણી ઉઠી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પોલીસે હિંસક પ્રદર્શનકારીઓને દેખતા જ ગોળી મારવાના આદેશ જારી કરી દીધા છે અને સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચુકાદા પહેલા ઢાકામાં રાજકીય હિંસા ચરમસીમાએ પહોંચી ગઈ છે. રવિવારે અનેક દેશી બોમ્બ ફાટ્યા હતા. એકલા 12 નવેમ્બરે જ 32 વિસ્ફોટો થયા હતા, સાથે જ ડઝનબંધ બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે તોડફોડના આરોપમાં શેખ હસીનાની પાર્ટી ‘અવામી લીગ’ના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 400થી વધુ બોર્ડર ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
દરમિયાન, શેખ હસીનાના પુત્ર અને તેમના સલાહકાર સજીબ વાઝેદે એક ઇન્ટરવ્યુમાં વર્તમાન યુનુસ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી (અવામી લીગ) પરથી પ્રતિબંધ નહીં હટાવાય, તો તેમના સમર્થકો ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પર ગંભીર અસર કરશે અને વિરોધ-પ્રદર્શનો ભારે હિંસામાં પણ ફેરવાઈ શકે છે.
ચુકાદા અંગે તેમણે કહ્યું, “અમને બરાબર ખબર છે કે ચુકાદો શું આવવાનો છે. તેમને (શેખ હસીનાને) દોષિત ઠેરવવામાં આવશે અને કદાચ મોતની સજા પણ સંભળાવવામાં આવશે. તેઓ મારી માતા સાથે શું કરી શકે છે? મારી મા ભારતમા સુરક્ષિત છે. ભારત તેમને સંપૂર્ણ સુરક્ષા આપી રહ્યું છે અને એક રાષ્ટ્રાધ્યક્ષ જેવો વ્યવહાર કરી રહ્યું છે.”






