હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. ઉત્તરી પહાડી વિસ્તારોમાં થઈ રહેલા સ્નો ફોલની સીધી અસર દિલ્હીના હવામાન પર જોવા મળી રહી છે, જેના કારણે દિવસ દરમિયાન પણ ઠંડક અનુભવાઈ રહી છે. તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સાથે જ વાયુ પ્રદૂષણનું સ્તર પણ અત્યંત જોખમી બની ગયું છે.
પહાડો પરથી આવતી ઠંડી હવાઓને લીધે દિલ્હીમાં ઠાર વધ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મંગળવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ દિલ્હી આજે સવારે પણ ઘુમ્મસનું વાતાવરણ યથાવત્ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 20 થી 24 નવેમ્બર દરમિયાન દિલ્હીનું વાતાવરણ ઘુમ્મસ ભર્યુ રહેશે. આ પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24 થી 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 થી 12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.




