હરિયાણાના રોહતક જિલ્લાના લાખન માજરા ગામના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આજે સવારે એક ગમખ્વાર
દુર્ઘટના બની છે. ગામના બાસ્કેટબોલ કોર્ટ પર 16 વર્ષનો નેશનલ લેવલનો હોનહાર ખેલાડી હાર્દિક
એકલો પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સવારે લગભગ દસ વાગ્યે જ્યારે તે પોલ પર લટકવાનો પ્રયાસ કરી રહ્યો
હતો, ત્યારે જર્જરિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આખો પોલ તેના પર તૂટી પડ્યો હતો. જેના કારણે ખેલાડીનું
મોત નીપજ્યું હતુ.
ખેલાડી હાર્દિક પહેલીવાર પોલ પર લટક્યો, ત્યારે તો કોઈ સમસ્યા ન થઈ, પરંતુ બીજી વાર તેણે જેવો
પોલ પકડ્યો કે તરત જ 750 કિલોનો બાસ્કેટબોલ પોલ ધડાકાભેર સીધો તેના ઉપર પડ્યો. આ સમગ્ર
હૃદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે.પોલ પડતાં જ
આસપાસ પ્રેક્ટીસ કરતા અન્ય ખેલાડીઓ તરત દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક હાર્દિકને પોલ
નીચેથી બહાર કાઢ્યો અને તેને ગંભીર હાલતમાં PGI રોહતક ખાતે સારવાર માટે લઈ ગયા. જોકે,
સારવાર શરૂ થયાના થોડા સમય બાદ જ તેણે દમ તોડી દીધો. આ રીતે, નબળી વ્યવસ્થાને કારણે દેશે
એક રાષ્ટ્રીય સ્તરના ઉભરતા હોનહાર ખેલાડીને ગુમાવ્યો.






