અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે એક હૃદય કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. સવારે 4:30 વાગ્યાના અરસામાં રામનગર નજીક એક ચાની કીટલી પાસે પૂરપાટ ઝડપે દોડતી બોલેરો પિકઅપ વાન આગળ ચાલી રહેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે પિકઅપ વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જેમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતક અને ઘાયલ તમામ લોકો અમદાવાદના નરોડા સ્થિત ‘બાલાજી કેટરર્સ’ ના કર્મચારીઓ હતા, જેઓ નરોડાથી બગોદરા પાસેના એક રિસોર્ટમાં લગ્ન પ્રસંગે રસોઈ બનાવવા જઈ રહ્યા હતા.
અકસ્માતની જાણ થતા જ બે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પેરામેડિકલ સ્ટાફે બે લોકોને મૃત જાહેર કર્યા, જ્યારે અન્ય ચાર ઘાયલોને પ્રાથમિક સારવાર માટે બાવળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બાવળામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, ઘાયલોની નાજુક હાલતને જોતા તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર, ચાર ઘાયલો પૈકી એકની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.






