કચ્છના ભચાઉ નજીક કટારિયા તીર્થ નજીક આજે સવારે જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર એલપીજી ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટ્યું હતું, જેના કારણે આસપાસના અનેક વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. બનાવની જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગેસ ભરેલા ટેન્કરના ફૂરચા ધડાકા સાથે દૂર દૂર સુધી ઉડી ગયા હતા. ફાટવાના કારણે લાગેલી ભીષણ આગમાં નજીકની હાઈવે હોટેલ પાસે ઊભેલાં છથી સાત જેટલાં ટ્રક અને ટ્રેલર પણ લપેટમાં આવીને બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા.આ ભયાનક દુર્ઘટનામાં જાનહાનિની આશંકા સેવવામાં આવી રહી છે. દુર્ઘટનામાં ટેન્કરના ચાલક સહિત અન્ય લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટનાના પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે.
આ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી જઈને યુદ્ધના ધોરણે અગ્નિશમનની કામગીરી હાથ ધરી હતી. સામખિયાળી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટેની કાર્યવાહી કરી રહી છે.





