ગોવાના એક નાઇટક્લબમાં 6 ડિસેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગની ઘટના માટે જવાબદાર
માનવામાં આવતા લૂથરા બ્રધર્સ – ગૌરવ અને સૌરભની થાઇલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. 25
લોકોના મોત થયા બાદ આ બંને ભાઈઓ દેશ છોડીને ભાગી ગયા હતા. હવે તેમને ભારત લાવવા માટે
પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેથી તેમની સામે ભારતમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી શકે.
આ અગ્નિકાંડ પછી તરત જ લૂથરા બ્રધર્સ દેશ છોડીને ભાગી ગયા હતા. આ પછી તેમની ધરપકડ માટે
સીબીઆઈએ ઈન્ટરપોલ પાસેથી બ્લુ કોર્નર નોટિસ જારી કરાવી હતી. એવી ચર્ચા હતી કે આ બંને
થાઇલેન્ડમાં છુપાયેલા છે, અને આખરે તપાસ એજન્સીઓએ તેમને ત્યાંથી ઝડપી પાડ્યા છે. ગોવા
પોલીસની તપાસ મુજબ, જ્યારે બચાવ દળ આગ બુઝાવવામાં વ્યસ્ત હતું અને લોકોના મૃતદેહો બળી
રહ્યા હતા, ત્યારે આ બંને ભાઈઓએ ફ્લાઇટ બુક કરાવી અને દેશ છોડીને ભાગી ગયા હતા. બંને ભાઈઓ
દ્વારા ધરપકડથી બચવા માટે દિલ્હીની એક અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે
તેમને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના વકીલે દલીલ કરી હતી કે લૂથરા બ્રધર્સ દેશ છોડીને
ભાગ્યા નથી, પરંતુ બિઝનેસ ટ્રિપ પર ગયા છે. વકીલે એમ પણ કહ્યું હતું કે આ બંને ભાઈઓ ક્લબના
માલિક નથી, પરંતુ તેઓ માત્ર તેના સંચાલનનું લાઇસન્સ ધરાવે છે. વકીલે કહ્યું કે ક્લબનું સંચાલન
સ્ટાફ દ્વારા થતું હોવાથી આ ઘટનાની સીધી જવાબદારી લૂથરા બ્રધર્સની નથી.
બીજી તરફ, ગોવા પોલીસે આ મામલે અત્યાર સુધી નાઇટ ક્લબના 5 મેમ્બર્સ અને સ્ટાફની ધરપકડ કરી
છે. પણજીથી 25 કિલોમીટર દૂર સ્થિત આ ક્લબમાં મધ્યરાત્રિએ આગ લાગી હતી અને આગ એટલી
ભીષણ હતી કે મૃતદેહો એકબીજા પર પડેલા મળી આવ્યા હતા. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે
જણાવ્યું છે કે આ ઘટનાની તપાસ રિપોર્ટ આગામી 8 દિવસમાં આવી જશે. આ ઘટના બાદ સમગ્ર
ગોવામાં ક્લબોની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે. વધુમાં, વિદેશ મંત્રાલયે ગોવા સરકારની
માંગણી પર આ બંને ભાઈઓના પાસપોર્ટની કાયદેસરતા સમાપ્ત કરી દીધી હોવાની જાણકારી મળી રહી
છે.





