ભારત સાથેના અમેરિકાના વર્તમાન સંબંધો અને નીતિનો અમેરિકાની સંસદમાં પડઘો પાડ્યો હતો.સાંસદે
મોદી અને પુતિનની તસવીરવાળુ પોસ્ટર બતાવી ટ્રમ્પ વહીવટી તંત્રની ટીકા કરતા જણાવ્યું હતું કે
અમેરિકાની હાલની નીતિથી ભારત રશિયા તરફ ઝૂકી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે તાજેતરમાં કારમાં બેસીને
લેવાયેલી તસવીર અમેરિકાની સંસદમાં ચર્ચાનો વિષય બની છે. યુએસ કોંગ્રેસ સાંસદ સિડની
કમલાગર-ડોવે વિદેશ નીતિ અંગેની ચર્ચા દરમિયાન આ તસવીરનું મોટું પોસ્ટર સંસદમાં પ્રદર્શિત કર્યું
હતું, જેના દ્વારા તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત પ્રત્યેની નીતિની આકરી ટીકા કરી હતી.
કોંગ્રેસ સાંસદ કમલાગર-ડોવે ચેતવણી આપી હતી કે, હાલની યુએસ નીતિઓ ભારતને રશિયા તરફ
ધકેલી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ‘આ પરિસ્થિતિ માટે ભારત નહીં, પણ અમેરિકાની નીતિઓ
જવાબદાર છે. ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત નીતિ સ્વ-નુકસાન સમાન છે. આ વ્યૂહરચનાએ બંને દેશો
વચ્ચેના વ્યૂહાત્મક વિશ્વાસ અને સમજણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. આ તસવીર હજાર શબ્દો જેટલું
છે. તમે તમારા વ્યૂહાત્મક ભાગીદારોને વિરોધીઓ તરફ ધકેલીને નોબેલ શાંતિ પુરસ્કાર જીતી શકતા
નથી.’તેમણે કહ્યું કે, ‘અમેરિકાએ સમજવું પડશે કે દબાણ દ્વારા ભાગીદારી બનાવવા માટે કિંમત ચૂકવવી
પડે છે અને આ નીતિ પર ગંભીરતાથી પુનર્વિચાર કરવાની જરૂર છે.’
સાંસદે ગૃહના અન્ય સભ્યોને ભારત-અમેરિકા સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે અત્યંત તાકીદ સાથે કામ
કરવા વિનંતી કરી હતી. યુએસ સંસદમાં આ રીતે ભારત-રશિયાની નિકટતાનો મુદ્દો ઉઠાવાતા દ્વિપક્ષીય
સંબંધોની જટિલતા સ્પષ્ટ થઈ છે.






