આંધ્રપ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ચિત્તૂરમાં 35 મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થઈ ચુક્યા છે. વળી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માર્ગ પરથી પસાર થતા એક વ્યક્તિએ પોલીસને અકસ્માતની સૂચના આપી હતી. પોલીસે જાણકારી મળતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જિલ્લા કલેક્ટર દિનેશ કુમારે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ચિંટૂરૂ અને ભદ્રાચલમ વચ્ચે ઘાટ રોડ પર અકસ્માત સર્જાયો હતો. અહીં એક બસ રસ્તા પરથી ઉતરીને પલટી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભદ્રાચલમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં સવાર મુસાફર ભદ્રાચલમથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા કે, વળાંક લેતા સમયે બેલેન્સ બગડતા રસ્તા પરથી નીચે પડી ગઈ. બસમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સવાર હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આ સમૂહ ભદ્રાચલમ મંદિરના દર્શન કરીને અન્નવરમ જઈ રહ્યા હતા. બસ ચિત્તૂર જિલ્લાથી ભાડે લેવામાં આવી હતી અને સંપૂર્ણ રીતે મુસાફરોથી ભરેલી હતી. ઘાટ રોડ પર વળાંક દરમિયાન આ અકસ્માત સર્જાયો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, અકસ્માત અમુક જ સેકન્ડમાં થયો અને મુસાફરો ખુદને સંભાળી શકે તેવી તક જ ન મળી. આ ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસને ભારે નુકસાન થયું હતું અને એવી આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે, અકસ્માતના કારણની તપાસ કરવામાં આવશે અને માર્ગ સલામતીના પગલાંની સમીક્ષા કરવામાં આવશે





