ભારતની સૌથી મોટી અને વિશ્વની પાંચમી સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા કેટલાક દિવસોમાં તેના ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. દરરોજ આશરે ૨૩૦૦ ફ્લાઇટ્સનું સંચાલન કરતી અને સ્થાનિક ઉડ્ડયન બજારના ૬૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતી એરલાઇનના માર્કેટ કેપમાં વર્તમાન કટોકટી પછી આશરે રૂ.૨૧,૦૦૦/- કરોડનો ઘટાડો થયો છે. દરમિયાન ઇન્ડિગોના ઓપરેશનલ કટોકટીના ૧૧માં દિવસે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયએ ઇન્ડિગોના ચાર ફ્લાઇટ ઇન્સ્પેક્ટરોને દૂર કર્યા છે. આ પગલું ઇન્ડિગો દ્વારા તાજેતરના કટોકટીથી પ્રભાવિત મુસાફરો માટે વધારાના વળતરની જાહેરાત અને રિફંડ આપ્યા પછી ભરવામાં આવ્યું છે. ઇન્ડિગોના સી. ઇ.ઓ.પીટર એલ્બર્સ પણ ગુરુવારે બીજી વખત DGCA સમક્ષ હાજર થયા હતા.આ ઇન્સ્પેક્ટર ઇન્ડિગો માટે મુખ્ય કામગીરી નિરીક્ષક તરીકે નિયુક્ત હતા અને એરલાઇન પાસે નિયત સંસાધનો, ખાસ કરીને ક્રૂની સંખ્યા છે કે નહીં તેની દેખરેખ રાખવા માટે જવાબદાર હતા.આ તમામ ઇન્સ્પેક્ટરો ઇન્ડિગોની ફ્લાઇટ્સની સુરક્ષા અને સંચાલન સંબંધિત તપાસ સાથે સંકળાયેલા હતા. તેમની મુખ્ય જવાબદારી એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોની સુરક્ષા અને ઑપરેશનલ ઓવરસાઇટ કરવાની હતી અને તેઓ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા.તપાસ અને દેખરેખમાં દાખવેલી બેદરકારીને કારણે જ આટલું સખત પગલું ભરવું પડ્યું હોવાનું માનવામાં આવે છે, જેના પરિણામે આ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.




