સુરત જિલ્લાના બારડોલીમાં આગની એક મોટી ઘટના બની છે. બારડોલી વિસ્તારમાં આવેલા ૧૧ થી
વધુ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.આ
બનાવના પગલે બારડોલીમાં મેજર કોલ આપવામાં આવ્યો છે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો સામાન અને ભંગાર
ભરેલો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ભયાનકતા એટલી
વધારે હતી કે તેના ધુમાડાના ગોટેગોટા ૦૨ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. આગ
લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને જોતા પ્રાંત અધિકારી દ્વારા તેને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર
વિભાગની ૧૫થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ
ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. જોકે, પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ પર કાબૂ
મેળવવામાં ફાયર જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક
પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી
લીધી છે. આ વિકરાળ આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.





