રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર આજે વહેલી સવારે પિકઅપ ગાડી અને એક વાહન અથડાયા બાદ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી,આગની આ ઘટનામાં ત્રણ લોકોના જીવતા ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
આ અકસ્માત રેણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ-વેના ચેનલ નંબર 131 પાસે સર્જાયો હતો. દિલ્હીથી જયપુર તરફ જઈ રહેલી એક પિકઅપ ગાડી આગળ જઈ રહેલા અન્ય એક વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા અને જોતજોતામાં ગાડીમાં ભીષણ આગ લાગી ગઈ હતી.
ટક્કર બાદ પિકઅપનો આગળનો ભાગ દબાઈ ગયો હતો, જેના કારણે અંદર સવાર ત્રણેય વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી અને તેઓ વાહનની અંદર જ જીવતા ભૂંજાયા હતા.
ઘટનાની જાણ થતા જ રેણી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ અકસ્માતમાં પિકઅપના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે જયપુર લઈ જવામાં આવ્યો છે. તેમજ હાલ ત્રણેય મૃતકોની ઓળખ થઈ શકી નથી.






