અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ઘોષણાએ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવને અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચાડી દીધો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર ઉશ્કેરણીજનક જાહેરાત કરતા વેનેઝુએલા પર સંપૂર્ણ લશ્કરી અને આર્થિક નિયંત્રણ લાદવાની ધમકી આપી છે.ટ્રમ્પે આક્રમક રીતે લખ્યું છે કે વેનેઝુએલા સરકારને “અમારી સંપત્તિની ચોરી, આતંકવાદ, ડ્રગ્સની તસ્કરી અને માનવ તસ્કરી સહિતના અન્ય ઘણા કારણોસર” વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવી છે. આ ઘોષણાના પગલે, ટ્રમ્પે તાત્કાલિક અસરથી વેનેઝુએલામાં આવતા-જતા તમામ પ્રતિબંધિત ઓઇલ ટેન્કરોની સંપૂર્ણ નાકાબંધી કરવાનો આદેશ આપ્યો છે.
ટ્રમ્પે વેનેઝુએલાને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, “વેનેઝુએલા દક્ષિણ અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા યુદ્ધ જહાજોના કાફલાથી ઘેરાયેલું છે. આ કાફલો વધુ મોટો થતો જશે અને તેમને એવો આંચકો લાગશે જે તેમણે પહેલા ક્યારેય જોયો નથી. જ્યાં સુધી તેઓ અમેરિકાને ચોરાયેલું બધું તેલ, જમીન અને અન્ય સંપત્તિ પાછી નહીં આપે, ત્યાં સુધી આ ચાલુ રહેશે.”તેમણે એ પણ દાવો કર્યો કે માદુરો સરકાર દ્વારા અગાઉના ‘નબળા અને અક્ષમ બાઇડેન વહીવટીતંત્ર’ દરમિયાન અમેરિકા મોકલવામાં આવેલા ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ અને ગુનેગારોને ઝડપથી વેનેઝુએલા પાછા મોકલવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે અમેરિકા કોઈપણ દુશ્મન સરકારને તેની સંપત્તિ – તેલ, જમીન કે અન્ય કોઈ પણ વસ્તુ – લઈ જવાની પરવાનગી આપશે નહીં.
અમેરિકી પ્રમુખએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો સરકાર પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે લખ્યું છે કે, “ગેરકાયદેસર માદુરો સરકાર આ ચોરીના તેલ ક્ષેત્રોમાંથી મળેલા તેલનો ઉપયોગ પોતાને, ડ્રગ આતંકવાદ, માનવ તસ્કરી, હત્યા અને અપહરણ માટે ફાઇનાન્સ કરવા માટે કરી રહી છે.”




