અમદાવાદમાં વધુ એક વખત શાળાઓમાં બોમ્બ મુક્યો હોવાની ધમકી મળતા પોલીસ તંત્ર દ્વારા ટેરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અમદાવાદની આઠ શાળાઓમાં બોમ્બની ધમકીના પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. આજે સવારે અમદાવાદની ઝેબર,મહારાજા અગ્રસેન અને ઝાયડસ, ડી.એ.વી. ઈન્ટરનેશલ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, આવિષ્કાર સ્કૂલ, જેમ્સ એન્ડ જેમિસન અને નિર્માણ સ્કૂલ સહિત 8 સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડાદોડ મચી ગઈ હતી. સવારે અંદાજે ૧૦:૦૦ વાગ્યા આસપાસ સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શાળાનું ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં આવ્યું હતું.
હાલમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ ઈમેઈલનું પગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈમેઈલ મળી ચૂક્યા છે.
વેજલપુર પી.આઈ.એ જણાવ્યા મુજબ, આજે સવારે ઈમેલ દ્વારા ઝાયડસ, ઝેબર, અગ્રેસન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ ને ઉડાવી દેવાની ધમકી મળી છે. જે બાદ બોમ્બ સ્કોડ, ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ અને ફાયરનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે. આ ધમકી ભર્યો ઈમેલ કોના દ્વારા અને ક્યાંથી કરવામાં આવ્યો છે તેની હાલમાં તપાસ ચાલી રહી છે.
અગાઉ પણ શાળાઓમાં બોમ્બ મુક્યો હોવાની મળી હતી ધમકી
અમદાવાદ શહેરની આઠ નામાંકિત શાળાઓમાં બોમ્બ મુક્યો હોવાની ધમકીભર્યો ઇમેઇલ મળતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.આ અગાઉ પણ અમદાવાદની શાળાઓમાં બોમ્બ મુક્યો હોવાની ધમકી મળી હતી.પોલીસ તંત્ર દ્વારા હાલમાં આઠેય સ્કૂલોને ખાલી કરાવી વિધાર્થી,શિક્ષકો અને કર્મચારીઓને સલામત સ્થળે ખસેડી બોમ્બ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.




