ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન) અભિયાન આટોપી લેવાયુ છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરશે.રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદારોને ફોર્મ વહેચવામાં આવ્યા હતાં જે પૈકી અત્યાર સુધીમાં કુલ 4.34 કરોડ ફોર્મ પરત મળ્યાં છે. પણ હજુ સુધી 44.45 લાખ મતદારોનું મેપિગ થઈ શક્યુ નથી. મતદાર યાદીમાં નામ નહીં હોય તે પુરાવા સાથે ફોર્મ-6 ભરી શકશે. સાથે સાથે 19મી ડિસેમ્બરથી માંડીને18મી જાન્યુઆરી સુધી મતદારો રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ વાંધો પણ રજૂ કરી શકશે.SIRની કામગીરીમાં એવુ ધ્યાને આવ્યુ છે કે, 18,07,227 મતદારો મૃત્યુ પામ્યાં છે જ્યારે 9,69,813 મતદારો પોતાના સરનામે ગેરહાજર જોવા મળ્યાં છે. આ ઉપરાંત સ્થળાંતર કરી ચૂક્યા છે. 3,81,534 મતદારો એવાં છે જેમના બે-બે સ્થળે નામ નોંધાયેલાં છે. ઉલ્લેખનીય છે કે, બે સ્થળે મતદાર યાદીમાં નામ હોવું ગુનો છે. આ કારણોસર લોકો હવે સામે ચાલીને મતદાર યાદીમાંથી નામ કઢાવી રહ્યાં છે.
નોંધનીય છે કે, 27મી ઓક્ટોબરે SIR અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ મતદાર યાદી સુધારણા કામગીરી વિવાદમાં સપડાઇ હતી કેમકે, વધુ પડતાં કામના બોજને પગલે પાંચેક બુથ લેવલ ઓફિસરના મૃત્યુ થયા હતાં જેના કારણે હોબાળો મચ્યો હતો. એટલુ જ નહીં, રાજ્ય ચૂંટણી પંચ પર માછલા ધોવાયા હતાં.





