તુર્કીએમાં એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ, જેમાં લિબિયાની સેનાના વડા મુહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત સાત લોકોના મોત નીપજ્યા છે. લિબિયાના વડા પ્રધાન અબ્દુલ-હામિદ દબેબેહે પુષ્ટિ કરી છે.
અહેવાલ મુજબ લિબિયા અને તુર્કીયે વચ્ચે લશ્કરી અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા વાટાઘાટો માટે લિબિયાનું પ્રતિનિધિમંડળ તુર્કીયે પહોંચ્યું હતું. તુર્કીની રાજધાની અંકારાની મુલાકાત બાદ પ્રતિનિધિમંડળ બિઝનેસ જેટ ફાલ્કન-50 વિમાનમાં સવાર થઇને લિબિયાની રાજધાની ત્રિપોલી પરત ફરી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની હતી.
તુર્કીયેના ગૃહ પ્રધાન અલી યેરલિકાયાએ જણાવ્યું કે, સ્થાનિક સમય મુજબ 20:52 વાગ્યે અંકારાના એરપોર્ટથી ટેક ઓફ કર્યા બાદ 42 મિનિટે બિઝનેસ જેટ તરફથી સિગ્નલ મળવાનું બંધ થઇ ગયું હતું.
અહેવાલ મુજબ વિમાન અંકારાના દક્ષિણ-પશ્ચિમમાં હેમાના જિલ્લાના કેસિકાવાક ગામ નજીક ક્રેશ થયું હતું, બાદમાં પોલીસે વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. ક્રેશ થયા પહેલા વિમાનના પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ માટે રીક્વેસ્ટ કરી હતી, વિમાન ક્રેશ થવાનું કારણ હાલ જાણી શકાયું નથી, અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
જનરલ હદ્દાદ ઉપરાંત વિમાન દુર્ઘટનામાં હેડ ઓફ લિબિયન ગ્રાઉન્ડ ફોર્સ અલ-ફિતોરી ગેરાબિલ, હેડ ઓફ મિલીટરી મેન્યુફેક્ચરિંગ ઓથોરીટી બ્રિગેડિયર જનરલ મહમૂદ અલ-કતાવી, ચીફ ઓફ સ્ટાફના સલાહકાર મોહમ્મદ અલ-અસાવી દિઆબ અને ચીફ ઓફ સ્ટાફની ઓફિસમાં કામ કરતા લશ્કરી ફોટોગ્રાફર મોહમ્મદ ઓમર અહેમદના મોત થયા છે. વિમાન ક્રૂના ત્રણ સભ્યોની ઓળખ હજુ જાહેર થઇ નથી.






