અમદાવાદમાં નવા વર્ષના આરંભે જ અકસ્માતની ઘટનામાં બે શ્રમિકના મોત નીપજ્યા છે,જ્યારે એકને ગંભીર ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં નવા વર્ષના દિવસે જ કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટીંગનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન ત્રણ મજૂરો નીચે પડ્યા હતા, જે પૈકી બે શ્રમિકોના મોત થયા હતા.
મળતી વિગતો અનુસાર, આંબાવાડી વિસ્તારના કલ્યાણ જ્વેલર્સ નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર સેન્ટિંગ પાટા પરથી ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. શ્રમિકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મુળ રાજસ્થાનના શાંતિલાલ માનત અને દેવિલાલ ભીલનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી હતી.
અન્ય એકની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. મળતી વિગતો અનુસાર, સવારે જ શ્રમિકોએ સેન્ટિંગ બાંધાવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



