ફિલિપાઈન્સના પૂર્વીય ભાગમાં 6.7ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર બકુલીન શહેરથી લગભગ 68 કિલોમીટર દૂર પૂર્વમાં દરિયામાં હતું. જમીનથી તેની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર નોંધાઈ હતી, જેના કારણે આંચકા વધુ તીવ્રતાથી અનુભવાયા હતા. આ પ્રકારના દરિયાઈ ભૂકંપને વૈજ્ઞાનિક ભાષામાં ‘ઓફશોર ટેમ્બલર’ કહેવામાં આવે છે.ભૂકંપના આંચકા અનુભવાતા જ મિંદાનાઓ ટાપુ અને સુરિગાઓ ડેલ સુર પ્રાંતના શહેરોમાં અફરાતફરી મચી ગઈ હતી. હીનાતુઆન શહેરના સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આંચકા એટલા તેજ હતા કે લોકો ડરના માર્યા ઘર અને ઓફિસોની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.’ જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ મોટા જાનમાલના નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.ફિલિપાઈન્સની ભૂકંપ મોનિટરિંગ એજન્સી ‘ફિવોલ્ક્સ'(Phivolcs) એ ચેતવણી આપી છે કે આગામી સમયમાં આફ્ટરશોક્સ આવવાની શક્યતા છે. જોકે, સદનસીબે અત્યાર સુધી કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. આ વિસ્તાર ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત હોવાથી અહીં અવારનવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટની ઘટનાઓ બનતી રહે છે.






